સંસાર છોડી રાષ્ટ્રને જીવ સમર્પિત કરનાર આ કર્મયોગીએ એક નિયમ રાખ્યો હતો કે બાને પગે લાગવું. ગુજરાત આવે ત્યારે એવો પ્રયાસ કરે કે અડધો કલાક બા પાસે જઈ આવે, પણ હવે?
હીરાબાની ચિતા સામે શોકમગ્ન વડા પ્રધાન નરેન્દ્ર મોદી
Action speak louder than everything.
હા, ખરેખર અને આ વાત તાદૃશ પણ થઈ ગઈ કાલે. ગઈ કાલે પુરવાર થયું કે નરેન્દ્ર મોદી ખરેખર ૧૦૦ તોપની સલામીને હકદાર છે. આવો હક તો તેમનાં માતુશ્રી હીરાબહેન મોદી પણ ધરાવતાં હતાં, પણ એમ છતાં તેમણે એવી કોઈ પ્રતિક્રિયા આપી નહીં. માતાની વિદાય પછી જો તેમણે ધાર્યું હોત તો તેઓ એ કરી જ શકતા હતા અને એમાં કશું ખોટું પણ નહોતું. રાષ્ટ્રને પનોતા પુત્ર આપનારાં માતુશ્રીનું સન્માન થવું જ જોઈએ અને તેમનું સ્મારક બને તો એમાં પણ કશું ખોટું નથી, પણ સાહેબ, નહીં.
ADVERTISEMENT
સ્મારક તો શું, કોઈ વિશેષ અધિકાર પણ વાપરવામાં નથી આવ્યા. ધાર્યું હોત તો હીરાબાના પાર્થિવ દેહને ૨૪ કલાક દર્શન માટે રાખી જ શકાયો હોત. પનોતા પુત્રની જનેતા હતાં એ પણ કહ્યુંને, ના, એવી કોઈ પહેલ પણ નહીં અને તમે કડપ જુઓ. કોઈએ આ બાબતમાં સૂચન કરવાની હિંમત સુધ્ધાં નથી દાખવી.
આ કર્મયોગીનાં લક્ષણો છે, આ કર્મયોગીના સંસ્કાર છે, આ કર્મયોગીની નિષ્ઠા છે અને વાત અહીં પણ નથી અટકતી. તમે જુઓ કે સવારે ૬ વાગ્યે આવા દુખદ સમાચાર મળે છે અને એ સમાચાર મળ્યા પછી નરેન્દ્રભાઈ અમદાવાદ આવીને માતુશ્રીની આખી અંતિમવિધિમાં હાજર રહે છે અને એ પછીના ત્રીજા જ કલાકે તેઓ વર્ચ્યુઅલ મીટિંગમાં આવીને ફરીથી રાષ્ટ્રના કાર્યમાં લાગી પડે છે. આ જે ફરજનિષ્ઠ સ્વભાવ છે એ ભાગ્યે જ જોવા મળે, આ જે ફરજનિષ્ઠ માનસિકતા છે એ જ્વલ્લે જ રાષ્ટ્રને મળે.
સંસાર છોડ્યા પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અને એ પછી દેશને જીવન સમર્પિત કરનાર નરેન્દ્રભાઈને જો સંસારમાં કોઈ એક પ્રત્યે લગાવ હોય તો એ હીરાબા હતાં. જન્મદિવસે, દિવાળીના દિવસે કે પછી ગુજરાત આવ્યા હોય એવા સમયે તેમને જો કોઈને મળવાનું મન થાય તો એ તેમની જનેતા હતાં. ગઈ કાલે હીરાબાના દેહાંતના સમાચાર મળ્યા ત્યારે મનમાં પહેલો વિચાર આવ્યો હતો,
હવે ગુજરાત આવશે ત્યારે નરેન્દ્રભાઈ પાસે બાનો ખોળો નહીં હોય, બાનાં ચરણ નહીં હોય, બા સાથે બેસીને ખીચડી કે લાપસી ખાવાનો અવસર નહીં હોય.