વંદે ભારત એક્સપ્રેસમાં કુલ 1,128 મુસાફરોની બેઠક ક્ષમતા છે
તસવીર સૌજન્ય: પીટીઆઈ
દેશને આજે તેની ત્રીજી સ્વદેશી નિર્મિત હાઇસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગર સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે. આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ હાજર રહ્યા હતા.
વંદે ભારત એક્સપ્રેસમાં કુલ 1,128 મુસાફરોની બેઠક ક્ષમતા છે. પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 15 ફેબ્રુઆરી, 2019ના રોજ નવી દિલ્હી-વારાણસી રૂટ પર દોડી હતી. તે જ સમયે, બીજી ટ્રેન નવી દિલ્હીથી શ્રી વૈષ્ણો દેવી માતા, કટરા રૂટ સુધી ચલાવવામાં આવી હતી. ત્રીજી વંદે ભારત ટ્રેન અગાઉની વંદે ભારત ટ્રેનોથી અલગ હશે. આ નવી ટ્રેનમાં મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવી ટ્રેનમાં કોવિડને લઈને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
વંદે ભારત ટ્રેન `કવચ` ટેકનોલોજીથી સજ્જ
ગુજરાતમાં દોડતી આ વંદે ભારત ટ્રેનમાં કવચ (ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ) ટેક્નોલોજી પ્રથમવાર શરૂ કરવામાં આવી રહી છે. આ ટેક્નોલોજીની મદદથી બે ટ્રેનોના સામસામે અથડાવા જેવા અકસ્માતો અટકાવવામાં આવશે. આ ટેક્નોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે, જેના કારણે તેની કિંમત ઘણી ઓછી છે. કેન્દ્ર સરકાર દ્વારા 2022ના બજેટમાં `કવચ` હેઠળ રેલ નેટવર્કને 2,000 કિલોમીટર સુધી લાવવાની યોજના જાહેર કરવામાં આવી હતી.
સ્વદેશી સેમી-હાઈ સ્પીડ તરીકે જાણીતી આ ટ્રેન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ હાંસલ કરે છે. ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ સાથે ઓટોમેટિક પ્લગ ડોર તેમ જ ટચ ફ્રી સ્લાઇડિંગ ડોર ફીટ કરવામાં આવ્યા છે. AC મોનિટરિંગ માટે કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ અને કંટ્રોલ સેન્ટર અને મેન્ટેનન્સ સ્ટાફ સાથે કમ્યુનિકેશન અને ફીડબેક માટે GSM/GPRS જેવી આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થશે.