પરીક્ષાર્થીઓ પાસેથી પરીક્ષામાં પુછાનારા પ્રશ્નોની વિગતો માટે ૧૨થી ૧૫ લાખ રૂપિયામાં સોદો થયો હતો
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
ગુજરાતમાં ગયા જાન્યુઆરીમાં શિડ્યૂલ્ડ જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના કેસમાં આરોપીઓ પાસેથી પેપર ખરીદનારા ૩૦ પરીક્ષાર્થીઓને ગુજરાત એટીએસએ ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય વાત એ છે કે પકડાયેલા પરીક્ષાર્થીઓ પાસેથી પરીક્ષામાં પુછાનારા પ્રશ્નોની વિગતો આપવા માટે ૧૨થી ૧૫ લાખ રૂપિયામાં સોદો થયો હતો.
ગુજરાત એટીએસએ પેપરલીક કાંડમાં વડોદરામાં આવેલી ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઇઝ ટેક્નૉલૉજીની ઑફિસમાં રેઇડ પાડીને ૧૫ આરોપીઓને લીક થયેલા પેપર સાથે પકડી લીધા હતા. તેમ જ તપાસ દરમ્યાન અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પેપરલીક કાંડના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની ઑફિસમાંથી તેમ જ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી એજન્ટોનાં વાહનોમાંથી પરીક્ષાર્થીઓના કૉલ-લેટર, કોરા ચેક, અસલ સર્ટિફિકેટ તથા અન્ય દસ્તાવેજો મળી આવ્યાં હતાં; જેના આધારે ૩૦ પરીક્ષાર્થીઓની તપાસ હાથ ધરી ઝડપી લેવામાં આવ્યા છે.
જુનિયર ક્લર્કની પરીક્ષાની આગલી રાતે પરીક્ષામાં પુછાનારા પ્રશ્નોની વિગતો આપવામાં આવવાની હતી અને એના બદલામાં આરોપીઓને ૧૨થી ૧૫ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એટીએસએ વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને જૂનાગઢ જિલ્લાનાં નાનાં-મોટાં શહેરો અને ગામોમાંથી ૩૦ પરીક્ષાર્થીઓની ધરપકડ કરી હતી.