સરદાર સરોવર નિગમ દ્વારા સમા, નિમેટા અને રવાલમાં ૩૫ મેગાવૉટના પ્લાન્ટમાં ૧,૧૬,૩૬૬ સોલર પૅનલ લગાવીને થઈ રહ્યું છે વીજઉત્પાદન
વડોદરા જિલ્લામાં નર્મદા કનૅલ પર લગાવેલી સોલર પૅનલ
મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખાનહેરો પર ૧૩ કિલોમીટર લાંબી સોલર પૅનલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કનૅલ પર લગાડવામાં આવેલી સોલર પૅનલ થકી અત્યાર સુધીમાં ૨૯.૫૧ મિલ્યન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર નિગમ દ્વારા વર્ષ ૨૦૧૫માં સમા કનૅલ ખાતે ૩૩,૮૧૬ સોલર પૅનલ મૂકવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૪.૨૩ મિલ્યન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. નિમેટા પાસે કનૅલ પર ૧૦ મેગાવૉટના પ્લાન્ટમાં ૩૩,૦૮૦ સોલર પૅનલ બેસાડવામાં આવી છે. આ ઉપરાંત સરદાર સરોવર નિગમ દ્વારા કનૅલ પાસે પડતર રહેલી જમીનમાં પણ પાંચ મેગાવૉટની ક્ષમતા ધરાવતો સોલર પ્લાન્ટ છે. આ બન્ને પ્લાન્ટ ૨૦૧૭થી કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૧૫.૯૭ મિલ્યન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. વાઘોડિયા તાલુકાના રવાલ પાસેથી પસાર થતી શાખાનહેરના કાંઠા પર સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. અહીં ૧૦ મેગાવૉટના પ્લાન્ટ માટે ૩૩,૬૦૦ સોલર પૅનલ બેસાડવામાં આવી છે. ૨૦૧૭થી અહીં કાર્યરત પ્લાન્ટમાં ૯.૩૧ મિલ્યન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.
ADVERTISEMENT
ગુજરાતની ભૌગોલિક સ્થિતિને જોતાં સામાન્ય સંજોગોમાં સવારના ૭.૩૦થી સાંજના ૫.૪૫ વાગ્યા સુધી સોલર પૅનલ થકી સૌરઊર્જાનું ઉત્પાદન થઈ શકે છે. એમાં પણ બપોરના ૧૧.૩૦થી ૩.૩૦ વાગ્યા સુધીના ચાર કલાક દરમ્યાન મહત્તમ સૌરઊર્જા મળે છે. આ ચાર કલાક એના પીક અવર્સ છે.