નેતા વિપક્ષના સરકાર પર પ્રહાર, કહ્યું ભાજપ કરે છે ડરની રાજનીતિ
નેતા વિપક્ષના સરકાર પર પ્રહાર
'રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર કરે છે ડરની રાજનીતિ', આ આરોપો લગાવ્યા છે નેતા વિપક્ષ અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ. રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલી અને જયંતિ ભાનુશાળીની હત્યા મામલે ધાનાણીએ રાજ્ય સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ધાનાણીએ આરોપો લગાવ્યા છે કે જે અધિકારીઓએ ભાજપના નેતાઓના આદેશ માનવાનો ઈન્કાર કર્યો તેમની બદલી કરી દેવામાં આવી. સાથે સંજીવ ભટ્ટના પત્નીની કારને ટક્કર મારી ભય ઉભો કરવાનો પ્રયાસનો પણ આરોપ લગાવ્યો.
પરેશ ધાનાણીએ જયંતી ભાનુશાળીની હત્યા મામલે પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, 'પોલીસ તંત્રની સાથે સાથે રાજકીય પ્રતિસ્પર્ધીઓને પણ ડર અને ભયની રાજનીતિનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે'.
નેતા વિપક્ષે ઉર્જિત પટેલના રાજીનામા મામલે પણ સરકાર પર સવાલો ઉઠાવ્યા. ધાનાણીએ આક્ષેપો કરતા કહ્યું કે, 'રઘુરામ રાજનની કામગીરી સારી હોવા છતા તેમને હટાવી દેવામાં આવ્યા, ઉર્જિત પટેલેને કાર્યકાળ પહેલા રાજીનામું આપવાની ફરજ પડી'.
મહત્વનું છે કે ભાજપના નેતા અને કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ વિપક્ષ સરકાર પર સતત નિશાન સાધી રહ્યું છે.

