ડાકોર, દ્વારકા, શામળાજી, અમદાવાદ સહિતનાં ગુજરાતનાં કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર: ડાકોરમાં મુંબઈના ભાવિકે ચાંદીનું બેડું અર્પણ કર્યું: જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાની ગોમતી નદીમાં સ્નાનનો મહિમા હોવાથી ભાવિકોએ નદીમાં કર્યું સ્નાન
Janmashtami
ડાકોરમાં ગઈ કાલે મુંબઈના ભાવિક પરિવારે શ્રી રણછોડરાય મંદિરમાં ચાંદીનું બેડું અર્પણ કર્યું હતું
જન્માષ્ટમી પર્વમાં ગઈ કાલે ગુજરાત જાણે કે કૃષ્ણમય બન્યું હોય એવો કૃષ્ણભક્તિનો માહોલ છવાયો હતો. ડાકોર, દ્વારકા, શામળાજી, અમદાવાદ સહિતનાં ગુજરાતનાં કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું અને નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કીના જયઘોષથી કૃષ્ણ મંદિરો ગુંજી ઊઠ્યાં હતાં. શ્રીજીનાં દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
કોરોનાનાં બે વર્ષ બાદ ગુજરાતનાં વિવિધ કૃષ્ણ મંદિરોમાં ઊજવાઈ રહેલા જન્માષ્ટમીના પાવન પર્વમાં ભાવિકો પરોવાયા હતા અને ચારેકોર કૃષ્ણભક્તિનો માહોલ છવાયો હતો. ડાકોરમાં શ્રી રણછોડરાયના મંદિરે શ્રીજીનાં દર્શન માટે સવારથી જ ભારે ભીડ થઈ હતી. ડાકોર મંદિરના મૅનેજર અરવિંદ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંજે પાંચ વાગ્યા સુધીમાં મંદિરમાં ૭૦થી ૮૦ હજાર ભાવિકોએ દર્શન કર્યાં હતાં. મુંબઈના ભરતભાઈ નામના ભાવિકે પરિવાર સાથે ભગવાન શ્રી રણછોડરાયને ચાંદીનો ઘડો અર્પણ કર્યો હતો.’
શામળાજીમાં આવેલા પ્રભુ શ્રી શામળાજીના મંદિરમાં ગઈ કાલે વહેલી સવારથી ભાવિકો દર્શન માટે ઊમટ્યા હતા. શામળાજીમાં બપોરે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાનોએ એકસરખાં કેસરી રંગનાં ટી-શર્ટમાં ઉપસ્થિત રહીને મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જન્માષ્ટમી પર્વના અવસરે શામળાજીમાં શોભાયાત્રા પણ યોજાઈ હતી, જેમાં સ્થાનિક રહીશો ઉપરાંત ભગવાન શામળાજીનાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા.
ADVERTISEMENT
દ્વારકામાં બિરાજમાન દ્વારકાધીશ પ્રભુની ઝાંકી
સૌરાષ્ટ્રમાં આવેલા દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે પણ ભાવિકોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. શ્રીજીની ઝાંકી માટે ભાવિકોની હકડેઠઠ ભીડ થઈ હતી. જન્માષ્ટમીના પર્વ પર ગોમતી નદીમાં સ્નાનનો મહિમા હોવાથી ભાવિકોએ ગોમતી નદીમાં સ્નાન કર્યું હતું. દ્વારકા ઉપરાંત સોમનાથમાં આવેલા ભાલકા તીર્થમાં પણ જન્માષ્ટમી પર્વમાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા અને શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠ, ઇસ્કૉન મંદિર સહિતનાં કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. આ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ સહિતનાં નાનાં-મોટાં શહેરોમાં ભાવિકોએ હર્ષભેર ગોકુલાષ્ટમીની ઉજવણી કરી હતી.