પાવાગઢ મંદિરના સત્તાવાળાઓએ ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ‘ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવા માટેનો નિર્ણય અમે કર્યો છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદના વિવાદ પછી હવે ગુજરાતમાં આવેલા બીજા શક્તિપીઠ પાવાગઢમાં શ્રીફળનો વિવાદ થયો છે. ભાવિકો હવેથી પાવાગઢમાં ઉપર છોલેલું નારિયેળ નહીં લઈ જઈ શકે એવો નિર્ણય મંદિરના સત્તાવાળાઓએ કર્યો છે. પાવાગઢ મંદિરના સત્તાવાળાઓએ ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ‘ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવા માટેનો નિર્ણય અમે કર્યો છે. જે લોકો પાવાગઢમાં ઉપર નારિયેળ લઈને આવે છે તેમણે છોલેલું નારિયેળ નહીં લાવવાનું. એની સામે બે સજેશન કરીએ છીએ કે તમે ચુંદડી અને શ્રીફળ લઈ આવો છો એ શ્રીફળ ચુંદડીમાં ઘરે લઈ જઈને પૂજામાં મૂકી શકો છો અથવા પાણિયારે વધેરી શકો છો. છતાં એમ લાગતું હોય તો દૂધિયા તળાવને બદલે માચી ખાતે ઑફિસ બનાવી છે ત્યાં માતાજીને ધરાવેલું શ્રીફળ સ્વીકારી લઈશું.’