ભાદરવી પૂનમના મેળામાં ૨૪.૩૫ લાખથી વધુ માઈ-ભક્તો અંબાજી માતાના શરણે, ૫.૩૯ કરોડ રૂપિયાનું દાન આવ્યું છે
અંબાજી તીર્થ
બોલ મારી અંબે, જય-જય અંબેના નાદ વચ્ચે અને ભક્તિભાવના માહોલ વચ્ચે આનંદપૂર્ણ રીતે શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયો હતો. ગઈ કાલે ભાદરવી પૂનમે અંબે માતાજીના મંદિરે માનવ મહેરામણ છલકાયું હતું અને આ મેળા દરમ્યાન ૨૪.૩૫ લાખથી વધુ માઈ-ભક્તોએ અંબાજી માતાના શરણે શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા.
કોરોનાનાં બે વર્ષ બાદ યોજાયેલા ભાદરવી પૂનમના મેળામાં આ વર્ષે ૫,૫૦૦ સંઘો અંબાજી દર્શન કરવા આવ્યા હતા. મંદિરે ૩ હજારથી વધુ ધજારોહણ થઈ હતી, જેમાં ગઈ કાલે અમદાવાદના સંઘે સૌથી લાંબી ૧,૨૫૧ ગજની ધજા ચઢાવી હતી. મેળા દરમ્યાન મંદિરમાં ૫.૩૯ કરોડ રૂપિયાની દાનભેટની આવી હતી, ૬૩૩.૨૯૦ ગ્રામ સોનાની ભેટ માતાજીના ચરણે ભાવિકોએ ચઢાવી હતી અને ૧૮.૩૭ લાખ પૅકેટ પ્રસાદનું વિતરણ થયું હતું. ગબ્બર સહિતનાં ત્રણ સ્થળોએ મેળા દરમ્યાન યોજાયેલા લાઇટ ઍન્ડ સાઉન્ડ શોને ૩૭ હજારથી વધુ ભાવિકોએ નિહાળ્યો હતો. પહેલી વાર એવું બન્યું હશે કે ગબ્બર-તળેટીએથી હજારો ભાવિકો ગબ્બર-ગોખની આરતી ઉતારવા મહાઆરતીમાં જોડાયા હતા. સિંગર કિંજલ દવેએ આરતી ગાઈ હતી અને હજારો દીવડાંઓથી આરતી ઉતારવામાં આવતાં ગબ્બર અને તળેટી ઝળહળી ઊઠ્યાં હતાં.
ADVERTISEMENT
બાળભક્તે પદયાત્રા કરી
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા પેથાપુર ગામમાં રહેતા અને ધોરણ બેમાં અભ્યાસ કરતા ૬ વર્ષના બાળભક્ત પ્રિયાંશ રાવલ ૨૨ કિલોમીટર પદયાત્રા કરીને મમ્મી હેતલ રાવલ સાથે અંબે માતાજીના મંદિરે પહોંચ્યો હતો અને માતાજીનાં દર્શન કરીને ધજા અર્પણ કરી હતી. પ્રિયાંશના દાદા સ્વ. કનુભાઈ રાવલે જે ધજા સાચવી રાખી હતી એ પ્રિયાંશે જોઈ હતી અને તેણે ધજા ચઢાવવાનો નિર્ણય કર્યો હતો.