Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat Rain News: બોરસદમાં આભ ફાટ્યું, ૪ કલાકમાં સાડાબાર ઇંચ વરસાદ ત્રાટક્યો

Gujarat Rain News: બોરસદમાં આભ ફાટ્યું, ૪ કલાકમાં સાડાબાર ઇંચ વરસાદ ત્રાટક્યો

Published : 25 July, 2024 07:24 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Gujarat Rain News: આજે વડોદરા શહેરની સ્કૂલોમાં રજા રાખવાની જાહેરાત વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ કરી છે.

બોરસદમાં આભ ફાટતાં ચોમેર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.

બોરસદમાં આભ ફાટતાં ચોમેર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.


મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાના બોરસદમાં ગઈ કાલે જાણે આભ ફાટ્યું હતું. સવાર-સવારમાં માત્ર ૪ કલાકમાં જ સાડાબાર ઇંચ વરસાદ ત્રાટક્યો હતો. બોરસદમાં બારે મેઘ ખાંગા થતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાતાં લોકોના હાલ બેહાલ થયા હતા.


બોરસદમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૪ ઇંચથી વધુ વરસાદ (Gujarat Rain News) ખાબક્યો હતો.



બોરસદમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું હતું. એટલું જ નહીં, લોકોએ ઘરની અગાસી અને છત પર આસરો લીધો હતો. અનરાધાર વરસાદના કારણે એન.ડી.આર.એફ.ની ટીમે લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.


સુરત શહેરમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૪૧ મિલીમીટર એટલે કે દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી મીઠી ખાડીમાં પાણી આવતાં અને છલકાતાં અનેક વિસ્તારોમાં ફરી વળતાં લિંબાયત, પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

સુરતમાં ગઈ કાલે ફાયર-બ્રિગેડે ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડી હતી. સુરતના ચીફ ફાયર-ઑફિસર બી.કે. પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પર્વત પાટિયા વિસ્તારમાં મીઠી ખાડીનાં પાણી ભરાતાં એક પ્રેગ્નન્ટ મહિલાને બહાર કાઢવા માટે અમને ફોન આવ્યો હોવાથી ફાયરની ટીમે ગીતાનગરમાંથી ૨૭ વર્ષના ગીતા પટેલને બહાર કાઢી સલામત રીતે હૉસ્પિટલ પહોંચાડી હતી.’


મીઠી ખાડી વિસ્તારમાં ત્રણ દિવસથી ઘરમાં ફસાયેલાં ૮૫ વર્ષનાં વૃદ્ધા સહિત તેમના પરિવારને સલામત રીતે પોલીસ જવાનો બહાર લઈ આવ્યા હતા. વૃદ્ધાને ઘૂંટણમાં દુખાવો હોવાથી લિંબાયત પોલીસ-સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. જોગરાણાએ તેમને ઊંચકીને હેમખેમ બહાર લઈ આવ્યા હતા.

વડોદરામાં ગઈ કાલે ૮ ઇંચથી વધુ સાંબેલાધાર વરસાદ (Gujarat Rain News) ખાબકતાં સંસ્કારી નગરી પાણી-પાણી થઈ ગઈ હતી અને રસ્તાઓ નદી બન્યા હતા. સયાજીગંજ, કારેલીબાગ, માંડવી, ન્યાયમંદિર, અલકાપુરી, સુભાનપુરા, હરિનગર પાંચ રસ્તા સહિતના અનેક વિસ્તારો જળબંબોળ બન્યા હતા.

વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદની વચ્ચે સ્કૂલો છૂટતાં સ્ટુડન્ટ્સને ટ્રેક્ટરમાં બેસાડીને લઈ જવાયાં હતાં. આજે વડોદરા શહેરની સ્કૂલોમાં રજા રાખવાની જાહેરાત વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ કરી છે.

અવિરત વરસાદની વચ્ચે વડોદરામાં આર.વી. દેસાઈ રોડ પર આવેલી દયા માધવ હૉસ્પિટલમાં પાણી ભરાઈ ગયાં હતાં એ હૉસ્પિટલમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. આ નવજાત બાળકને સતત તબીબી નિરીક્ષણમાં રાખવાની જરૂરિયાત ઊભી થતાં હૉસ્પિટલના ડૉક્ટરે ૧૦૮ ઍમ્બ્યુલન્સની મદદ લઈને ભારે વરસાદની વચ્ચે એસ.એસ.જી. હૉસ્પિટલમાં નવજાત બાળકને સલામત રીતે લઈ જવામાં આવ્યું હતું.

કચ્છના મુન્દ્રાના લૂણી ગામે રાતે નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલી પાંચ વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢી પોલીસે

કચ્છના મુન્દ્રા તાલુકાના લૂણી ગામે મંગળવારે મોડી રાતે નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલી પાંચ વ્યક્તિઓને મુન્દ્રા મરીન પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નિર્મલસિંહ જાડેજા સહિતના પોલીસ જવાનોએ જીવના જોખમે સલામત રીતે બહાર કાઢી હતી.

મુન્દ્રા મરીન પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નિર્મલસિંહ જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રાતે અમને ફોન દ્વારા જાણ થઈ હતી કે લૂણી ગામેથી પસાર થતી સ્થાનિક નદીનાં પાણીના પ્રવાહ વચ્ચે પાંચ વ્યક્તિ ફસાઈ છે. હું અને મારી ટીમ લૂણી ગામે પહોંચી હતી જ્યાં નદીમાં ૫૦ મીટરના અંતરે ઝાડીમાં ફસાઈ ગયેલી કાર પર ચડીને પાંચ વ્યક્તિઓ જીવ બચાવીને બેઠી હતી. આ લોકો માટે આશીર્વાદરૂપ બાબત એ બની હતી કે તેમની કાર ઝાડીમાં ફસાઈ ગઈ હતી એટલે પાણીના પ્રવાહમાં આગળ ખેંચાઈ નહોતી. અમે ગામના તરવૈયા સાથે રાખીને નદીના પ્રવાહનો કરન્ટ જાણીને સાથે લાવેલા દોરડા, બોયા, જૅકેટ અને રિંગ સાથે નદીમાં ઊતરીને પાંચ લોકો સુધી પહોંચી ગયા હતા અને કાર પર બેઠેલી પાંચે વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી હતી.’  

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘એક તો રાતનો સમય હતો અને બીજી તરફ એક તબક્કે નદીનાં પાણીનો પ્રવાહ જોઈને લાગ્યું હતું આ લોકોને કેવી રીતે બચાવીશું, પણ પાણીનો (Gujarat Rain News) કરન્ટ જ્યાંથી ઓછો હતો ત્યાંથી નદીમાં દોરડા સાથે પહોંચી ગયા હતા અને અંદાજે દોઢેક કલાક ઑપરેશન ચલાવીને લોકોને બચાવ્યા હતા. આ ઑપરેશનમાં ગામના લોકોનો સપોર્ટ પણ મળ્યો હતો.’

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2024 07:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK