અમદાવાદમાં મોડી સાંજે ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ ઃ અમરેલી જિલ્લાના ચાર અને પાટણ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ–ત્રણ તાલુકાઓમાં માવઠું ઃ ખેડૂતોની ચિંતામાં વધારો
Gujarat Rain
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ ઃ ગુજરાતમાંથી કમોસમી વરસાદ જવાનું નામ નથી લેતો. ગઈ કાલે પણ ગુજરાતના ૧૫થી વધુ તાલુકાઓમાં માવઠું થયું હતું અને એમાં પણ ભાવનગરમાં સવા ઇંચથી વધુ વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ અમદાવાદ શહેરમાં ગઈ કાલે મોડી સાંજે ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
ભાવનગરમાં ગઈ કાલે સાંજે ૪થી ૬ વાગ્યા દરમ્યાન ૩૪ મિમી એટલે કે સવા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભાવનગરના વાઘાવાડી રોડ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયાં હતાં. અમરેલી જિલ્લાને વરસાદે જાણે બાનમાં લીધો હોય એમ ગઈ કાલે અમરેલી જિલ્લાના ચાર તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. એમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ૧૯ મિમી એટલે કે અડધા ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જાફરાબાદમાં અડધા ઇંચ જેટલો અને ખાંભા તથા લાઠી તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં સાંજે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાવાની સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગઈ કાલે ગુજરાતના અમરેલી, પાટણ, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જેમાં સાંજે ૬ વાગ્યા સુધી ગુજરાતના ૧૫ તાલુકાઓમાં માવઠું થયું હતું.