ઉત્તરાયણને લઈને ગુજરાત સરકારે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરી વ્યવસ્થા : અમદાવાદના દિલ્હી દરવાજા તેમ જ રાયપુર સહિતની પતંગબજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે પતંગરસિયાઓની ભારે ભીડ
આજે ગુજરાતમાં ૯૦૦થી વધુ પક્ષી-નિદાન કેન્દ્ર અલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણનું પર્વ ભારે હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે ત્યારે આનંદ-ઉત્સાહના આ તહેવારમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા અને એમની સારવાર કરવા માટે ગુજરાતભરનાં ૯૦૦થી વધુ પક્ષી-નિદાન કેન્દ્રો પર વૅટરિનરી ડૉક્ટરો સહિતનો સ્ટાફ ખડેપગે રહેશે અને પતંગની દોરીથી થતાં ઘાયલ પક્ષીઓની સારવાર કરશે. બીજી તરફ ગઈ કાલે ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ અમદાવાદના દિલ્હી દરવાજા તેમ જ રાયપુર સહિતની પતંગબજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે પતંગરસિયાઓની ભારે ભીડ થઈ હતી.
ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા-અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કૅર સેન્ટરની ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. તેમણે પક્ષીઓ માટેના આ કૅર સેન્ટરમાં ઑપરેશન થિયેટર, ઓપીડી, એક્સ-રે રૂમ તથા વાઇલ્ડ લાઇફ કૅર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન તેમ જ વિધાનસભ્યો પણ જોડાયાં હતાં.
ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઈ અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો એની સારવાર માટે રાજ્યમાં ૧૦થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન રાજ્યવ્યાપી કરુણા અભિયાન યોજાઈ રહ્યું છે. સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કન્ટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. જો કોઈ પક્ષી ઘાયલ થાય થાય તો એની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે ૯૦૦થી વધુ પક્ષી-નિદાન સારવાર કેન્દ્રો, ૭૦૦થી વધારે વેટરનિટી ડૉક્ટર તેમ જ ૭,૭૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવામાં છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગુજરાતમાં ૧૩,૦૦૮ પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં.