ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ગુજરાત સરકારના કરુણા અભિયાનમાં ૮ હજાર સ્વયંસેવકો આપશે ઘાયલ અબોલ જીવ માટે સેવા - રાજ્યમાં ૮૬૫ પક્ષી-નિદાન કેન્દ્રો બનાવ્યાં
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદઃ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ગુજરાત સરકારના કરુણા-અભિયાનમાં ગુજરાતમાં બે દિવસ ૭૦૦થી વધુ ડૉક્ટર પક્ષીઓ માટે ખડેપગે રહેશે તેમ જ ૮ હજાર સ્વયંસેવકો ઘાયલ અબોલ જીવોની સેવા માટે તહેનાત રહેશે. ઘાયલ પક્ષીઓ માટે રાજ્યમાં ૮૬૫ પક્ષી-નિદાન કેન્દ્રો બનાવ્યાં છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે દસક્રોઈના બિલાસિયા ખાતે વન્યપ્રાણી પુનર્વસન કેન્દ્રનું લોકાર્પણ કરીને કહ્યું હતું કે ‘દરેક જીવની દરકાર એ સરકારનું ઉત્તરદાયિત્વ છે. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કરુણા-અભિયાન છે.’
ગુજરાતમાં મકરસંક્રાંતિ દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા-અભિયાન ચલાવવામાં આવે છે. આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ૨૦ જાન્યુઆરી સુધી કરુણા-અભિયાન ચાલશે. ગુજરાતમાં ૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલાં પક્ષીઓને સારવાર માટે દસ દિવસનું કરુણા-અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૭૦ હજારથી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે સરકારે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે.