ગુજરાતમાં ચાલી રહેલા વ્યાજખોરો સામેના અભિયાન દરમ્યાન ૧૦૦૦થી વધુની ધરપકડ કરી છે અને એ પૈકી ૨૭ સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
અમદાવાદ ઃ ગુજરાતમાં ચાલી રહેલા વ્યાજખોરો સામેના અભિયાન દરમ્યાન ૧૦૦૦થી વધુની ધરપકડ કરી છે અને એ પૈકી ૨૭ સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ગઈ કાલે અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધિરાણપત્ર આપ્યા હતા અને કુલ ૪૦૦૦થી વધુને રૂપિયા ૬.૭૨ કરોડનું ધિરાણ આપ્યું હતું.
અમદાવાદમાં સાયન્સ સિટીમાં શહેર પોલીસ દ્વારા યોજાયેલા ધિરાણ વિતરણ કાર્યક્રમમાં ૪૦૦૦ જેટલા સ્ટ્રીટ વેન્ડર્સને વડા પ્રધાન સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત ધિરાણ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેટલાક વેન્ડર્સને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધિરાણના ચેક આપ્યા હતા. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘વ્યાજ અને વ્યાજખોરોના દૂષણને ડામવા અત્યાર સુધીમાં ૩૫૦૦ લોકદરબાર આયોજિત કરવામાં આવ્યા છે. પોલીસ જરૂરિયાતવાળા ૧૩,૮૦૦ લોકોને રૂપિયા ૯૭ કરોડનું ધિરાણ અપાવવામાં મદદરૂપ બની છે.’