મિસિંગ લોકોને શોધવા માટે પાણીનું સ્તર ઘટાડવું પડે એમ હોવાથી ઝૂલતા પુલથી એકાદ કિલોમીટર દૂર આવેલો ચેકડૅમ નગરપાલિકાએ તોડવો પડ્યો
Morbi Tragedy
ઝૂલતા પુલથી એક કિલોમીટર દૂર ચેકડૅમ તોડી નખાયો (તસવીર : ચિરાગ ચોટલિયા)
મોરબીના ઝૂલતા પુલની હોનારતમાં સરકારી ચોપડે હજી એક વ્યક્તિ મિસિંગ છે તો બિનસરકારી દાવા મુજબ હજી તેર લોકોની ભાળ મળી નથી. આ લોકોને શોધવામાં એક તો ગાંડી વેલ નડતર હતી તો સાથોસાથ વેલના કારણે નદીમાં થઈ ગયેલો કાદવ પણ નડતર હોવાથી નદીનું પાણી ઓછું કરી સફાઈ કામગીરી દરમ્યાન જો કોઈ મૃતદેહ હજી અંદર હોય તો એને બહાર કાઢવાના હેતુથી આ ઝૂલતા પુલથી એકાદ કિલોમીટર દૂર બનાવવામાં આવેલા મચ્છુ નદી પરના ચેકડૅમને ગઈ કાલે મોરબી નગરપાલિકા દ્વારા તોડવામાં આવ્યો હતો.
મચ્છુમાં પાણી ઓસરે તો મિસિંગ પર્સનને શોધવાનું કામ આસાન થાય એવા હેતુથી જ આ ચેકડૅમ તોડવામાં આવ્યો છે. ચેકડૅમ તોડવાનું શરૂ થયું ત્યારે ઝૂલતા પુલ નીચેની મચ્છુ નદીમાં ચાલીસ ફીટ પાણી હતું, જે ગઈ કાલે રાતે ત્રીસ ફીટ પર પહોંચ્યું છે, પણ ગાંડી વેલ હટાવવાનું કામ ચાલુ હોવાથી હજી પણ પાણી વહાવી દેવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. જોકે હવે એવી આશા રાખવી ગેરવાજબી છે કે મિસિંગમાંથી કોઈ જીવતું હોય.