વિસ્ફોટ એવો પ્રચંડ હતો કે માનવઅંગો બાજુના ખેતર સુધી ફંગોળાયાં : લાઇસન્સ નહીં મળ્યું હોવા છતાં ગેરકાયદે ચાલતાં હતાં ફટાકડાની ફૅક્ટરી અને ગોડાઉન
ડીસામાં ફટાકડાની ફૅક્ટરીના ગોડાઉનમાં બ્લાસ્ટથી ભીષણ આગ ૧૮થી વધુ શ્રમિકો ભડથું થઈ ગયા
ગુજરાતમાં વધુ એક વાર અગ્નિકાંડ થયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ડીસામાં લાઇસન્સ રિન્યુ નહીં થયું હોવા છતાં પણ બિન્દાસ ચાલતી ફટાકડાની ફૅક્ટરી, ગોડાઉનમાં ગઈ કાલે કોઈ કારણોસર અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં કામ કરી રહેલા ૧૮થી વધુ નિર્દોષ શ્રમિકો હોમાઈને ભડથું થઈ ગયા હતા. વિસ્ફોટ એવો પ્રચંડ હતો કે જીવ ગુમાવનારા લોકોનાં અંગો બાજુના ખેતર સુધી ફંગોળાયાં હતાં. હૃદયને હચમચાવી મૂકતી આ ગોઝારી ઘટનાથી આખા વિસ્તારમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. આ ઘટના બનતાં ફૅક્ટરીના માલિક ખૂબચંદ અને તેમનો દીકરો દીપક સિંધી ફરાર થઈ ગયા હતા.
ડીસામાં ઢુવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફૅક્ટરી-ગોડાઉનમાં ગઈ કાલે સવારે અચાનક બ્લાસ્ટ થયો હતો અને એમાં સ્લૅબ ધરાશાયી થવાની સાથે આગ ફાટી નીકળી હતી. આ ઘટના બની ત્યારે એમાં વીસથી પચીસ લોકો હતા. એક તરફ આગ અને બીજી તરફ ધરતીને ધણધણાવી મૂકતા ભયાનક બ્લાસ્ટથી સ્લૅબ ધરાશાયી થયો હતો અને એની નીચે લોકો દટાયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ફૅક્ટરી-ગોડાઉનમાં કામ કરતા શ્રમિકોના હાથપગ સહિતનાં અંગો બાજુના ખેતર સુધી ફંગોળાઈને પડ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડની ટીમ, સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમ, જિલ્લા કલેક્ટર, જિલ્લાના ઉચ્ચ પોલીસ-અધિકારીઓ, ૧૦૮ ઍમ્બ્યુલનસ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને બચાવ-રાહત કામગીરી હાથ ધરી હતી. સ્લૅબ ધરાશાયી થતાં એને હટાવીને નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢવા જેસીબીનો ઉપયોગ કરવો પડ્યો હતો અને એક પછી એક મૃતદેહ બહાર કાઢીને પોટલામાં હૉસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટનાને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ગુજરાત સરકારના પ્રધાન બળવંતસિંહ રાજપૂત ડીસા પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળે તેમ જ હૉસ્પિટલમાં જઈને ઘટનાનો તાગ મેળવ્યો હતો.
ADVERTISEMENT
વધુ એક અગ્નિકાંડ થતાં ઊઠ્યા સવાલો
ગુજરાતમાં એક પછી એક અગ્નિકાંડ થતા રહ્યા છે અને રાજ્ય સરકાર આવા બનાવો ફરી ન બને એ માટે આયોજન કરતી આવી છે છતાં પણ ગુજરાતમાં વધુ એક અગ્નિકાંડ થયો છે. સુરતમાં તક્ષશિલાથી લઈને રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અનેક નિર્દોષ લોકોના જીવ હોમાયા છે ત્યારે ગઈ કાલે વધુ એક વખત ગેરકાયદે ફટાકડાની ફૅક્ટરી-ગોડાઉનમાં આગ લાગતાં ૧૮થી વધુ લોકો એમાં જીવતા ભડથું થઈ ગયા છે. આ ઘટનાને પગલે લોકોમાં પ્રશ્નો ઊઠ્યા છે કે જે ફટાકડાની ફૅક્ટરી-ગોડાઉન હતી એમાં સુરક્ષાનાં સાધનો હતાં? ફાયરનાં સાધનો હતાં? વીજ-વાયરિંગ અને કર્મચારીઓની સેફ્ટી માટે શું પગલાં લેવાયાં હતાં? એક્ઝિટ ગેટ હતો? આ બધાં જ સેફ્ટી મેઝર્સ માટે વહીવટીતંત્ર દ્વારા તપાસ થઈ હતી?
રાજ્ય સરકાર જીવ ગુમાવનારા લોકોના મૃતકોના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય કરશે.

