૧૪ અને ૧૫ જાન્યુઆરીએ ૩૭ને બદલે ૮૭ કરુણા ઍનિમલ ઍમ્બ્યુલન્સ તહેનાત રહેશે: અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં શહેરો અને નાનાં-મોટાં નગરોમાં ૬૦૦થી પણ વધુ વેટરિનરી તબીબો તેમ જ ૮૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો કરશે અબોલ પંખીઓની સેવા
અમદાવાદમાં ગઈ કાલે ઘાયલ થયેલી સમડીની સારવાર કરવામાં આવી હતી. (તસવીર : જનક પટેલ)
ઉતરાણ આવી પહોંચી છે ત્યારે દોરીથી ઘાયલ થતાં પક્ષીઓ માટે આજથી ગુજરાતમાં કરુણા અભિયાન શરૂ થશે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં શહેરો અને નાનાં-મોટાં નગરોમાં સરકાર અને સેવાભાવી લોકો અબોલ પંખીઓની સેવા કરશે. એટલું જ નહીં, આ વખતે ૧૪ અને ૧૫ જાન્યુઆરીએ ૧૦૮ ઍમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા ગુજરાતમાં ૩૭ને બદલે ૮૭ કરુણા ઍનિમલ ઍમ્બ્યુલન્સ પશુ-પંખીઓ માટે તહેનાત રહેશે. પતંગના માંજાથી ઘાયલ થતાં પ્રાણીઓ અને પક્ષીઓને ઝડપથી મદદ પહોંચે એ માટે ઍમ્બ્યુલન્સની સંખ્યા આ વખતે વધારવામાં આવી છે.
ગુજરાતમાં આજથી ૨૦ જાન્યુઆરી સુધી ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવશે. કરુણા અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરિનરી તબીબો તેમ જ ૮૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવામાં રહેશે. વનવિભાગ, પશુપાલન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ મળીને સમગ્ર ગુજરાતમાં ૧૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો ઊભાં કરવામાં આવશે. ગુજરાતમાં કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપથી સારવાર મળી રહે એ માટે વન વિભાગ દ્વારા વૉટ્સઍપ નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગયા વર્ષે કરુણા અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી ૧૩,૮૦૦થી વધુ પશુ-પંખીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં અને સારવાર કરવામાં આવી હતી. વન અને પર્યાવરણપ્રધાન મૂળુભાઈ બેરાએ અપીલ કરતાં કહ્યું હતું કે સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતાં હોય છે એટલે સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ અને ચાઇનીઝ માંજાનો ઉપયોગ પણ ન કરવો.
ચાઇનીઝ માંજાથી ગળું સલામત રાખવાનો કીમિયો
સુરતમાં જીવલેણ ચાઇનીઝ માંજાથી ટૂ-વ્હીલર ચલાવતા લોકોને બચાવવા ટ્રાફિક-પોલીસ ગઈ કાલે તેમને ગળામાં પહેરવા માટે સ્કાર્ફનું વિતરણ કરતી દેખાઈ હતી.