કોચરબ આશ્રમમાં ઍક્ટિવિટી સેન્ટર બનાવ્યું છે ત્યાં આજે ‘ચાલો ચરખો રમીએ’ કાર્યક્રમ યોજાશે : બાપુના વિચારોને ધ્યાનમાં રાખીને ઍક્ટિવિટીઓ હાથ ધરાશે
કોચરબ આશ્રમમાં આવેલુ ગાંધીબાપુનું ઘર જેનું રીસ્ટોરેશન કરવામાં આવશે
દેશની આઝાદીના ૭૫માં વર્ષની દેશવ્યાપી ઉજવણીની શરૂઆત થઈ છે ત્યારે આઝાદીની ચળવળનું મહત્ત્વનું કેન્દ્ર બનેલા અમદાવાદના કોચરબ આશ્રમમાં આવેલા ગાંધીબાપુના ઘરનું રીસ્ટોરેશન થશે. એટલું જ નહીં, દેશની આઝાદીની લડત જેમના નેતૃત્વમાં લડાઈ તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના કોચરબ આશ્રમમાં ઍક્ટિવિટી સેન્ટર બનાવ્યું છે, ત્યાં ગાંધીવિચારને ધ્યાનમાં રાખીને ઍક્ટિવિટી થશે.
મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા ત્યારે બાપુએ પહેલો આશ્રમ અમદાવાદમાં કોચરબ ગામ ખાતે ૧૯૧૫માં ૨૫ મેએ ભાડાના મકાનમાં શરૂ કર્યો હતો અને ગાંધીજીએ એનું નામ સત્યાગ્રહ આશ્રમ આપ્યું હતું. જોકે આ આશ્રમ કોચરબ આશ્રમ તરીકે વધુ જાણીતો બન્યો છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ આશ્રમનું સંચાલન કરવામાં આવે છે. આશ્રમના સંચાલક પ્રવીણ પરીખે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘કોચરબ આશ્રમમાં ઍક્ટિવિટી સેન્ટર બનાવ્યું છે ત્યાં આજે ‘ચાલો ચરખો રમીએ’ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં ગાંધી જીવન શૈલી અને યુવા ઘડતર શિબિરનું આયોજન કરાયું છે.’