સમુદ્રકિનારે યોજાશે પાર્થિવ શિવલિંગની મહાપૂજા : આજે રાતે ચાર પ્રહરની મહાપૂજા અને આરતી ઉપરાંત અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાશે
સોમનાથ મંદિરમાં ગઈ કાલે સાંજે સોમનાથ મહાદેવને વિશેષ શણગાર કરીને પેન મૂકવામાં આવી હતી. આ પેન ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને સોમનાથ મહાદેવજીના આશીર્વાદરૂપે અપાશે.
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને પૌરાણિક ભૂમિ સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મહાશિવરાત્રિની આજે ભક્તિભાવ સાથે ઉજવણી થશે. શિવભક્તો માટે મહાશિવરાત્રિના આજના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલ્લા મુકાશે અને સતત ૪૨ કલાક સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે.
સોમનાથમાં વહેલી સવારથી ભોળાશંભુના ભક્તજનો મંદિરમાં ઊમટે છે એટલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના દરવાજા વહેલી સવારથી ખુલ્લા મુકાશે અને સવારે ૭ વાગ્યે પ્રાતઃઆરતી કરવામાં આવશે. એ પછી પાલખી-પૂજા કરીને મંદિર-પરિસરમાં સોમનાથદાદાની પાલખીયાત્રા યોજાશે. બીજી તરફ સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરાશે. ભક્તજનો માત્ર પચીસ રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ શકશે. મહાશિવરાત્રિની રાત્રિએ ચાર પ્રહરની મહાપૂજા થશે અને મહાઆરતી પણ કરવામાં આવશે. મહાશિવરાત્રીએ શિવભક્તો મહાદેવજીની રીઝવવા માટે પૂજા-અર્ચના કરતા હોય છે ત્યારે સોમનાથના દરિયાકિનારે મારુતિ બીચ પર પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે. આકાશ, અગ્નિ, જળ, પૃથ્વી અને હવા એમ પંચમહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગની ભક્તો પૂજા કરી શકશે. હાલમાં સોમનાથ ખાતે ત્રણ દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે.

