ભચાઉમાં બનેલા ૬૦ મીટર લાંબા અને ૬૪૫ મેટ્રિક ટન વજનવાળા આ બ્રિજને વડોદરાની બાજવા છાયાપુરી રેલવેલાઇન ઉપર ગોઠવવામાં આવ્યો
વડોદરા નજીક બુલેટ ટ્રેન ટ્રૅક પર ઇન્સ્ટૉલ કરાયેલો સ્ટીલ-બ્રિજ.
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેનની કામગીરીએ હવે સ્પીડ પકડી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર મેક-ઇન-ઇન્ડિયાને સાર્થક કરતા આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મેડ ઇન ગુજરાતનો સ્ટીલ-બ્રિજ મંગળવારે વડોદરા નજીક બુલેટ ટ્રેનના રૂટ પર ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો હતો.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂટમાં અસંખ્ય નદીઓ, નાના-મોટા રસ્તા તેમ જ રેલવેલાઇન આવેલી છે. આ તમામ સ્થળોએ બુલેટ ટ્રેનના ટ્રૅક પર નાના-મોટા બ્રિજ બની રહ્યા છે અને કેટલાંક સ્થળોએ એ મૂકી દેવામાં આવ્યા છે ત્યારે વધુ એક બ્રિજ તૈયાર થઈને વડોદરા પાસે બુલેટ ટ્રેનના ટ્રૅક પર મૂકવામાં આવ્યો છે. આ બ્રિજની વિશેષતા એ છે કે એ કચ્છના ભચાઉમાં બન્યો છે. ભચાઉની વર્કશૉપમાં બનેલો સ્ટીલનો બ્રિજ વડોદરા નજીક બાજવા છાયાપુરી રેલવેલાઇનની ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેન ટ્રૅક પર સ્થાપિત કરવામાં આવ્યો છે. આ બ્રિજ ૬૦ મીટર લાંબો છે. ૧૨.૫ મીટર ઊંચા અને ૧૪.૭ મીટર પહોળા આ બ્રિજનું વજન ૬૪૫ મેટ્રિક ટન છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન-કૉરિડોર માટે ૨૮ સ્ટીલ-બ્રિજ બનાવવામાં આવશે જે પૈકી આ પાંચમો સ્ટીલ-બ્રિજ તૈયાર થયો છે.