બેટ દ્વારકા હેલિપૅડથી મુખ્ય મંદિરના રસ્તા સુધી નાગરિકોએ માર્ગમાં વડા પ્રધાનને આવકાર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દ્વારકાઃ ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત ૯૭૮.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત, વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતો અને સુદર્શન સેતુ રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુને વડા પ્રધાને તકતી અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મૂક્યો હતો. ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતા સુદર્શન સેતુનું થ્રી-ડી મૉડલ નિહાળી તેમણે વિસ્તૃત માહિતી મેળવી હતી.
પ્રવાસનના વિકાસ થકી બેટ દ્વારકા તેમ જ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે તેમ જ ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખૂલશે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં વધારો થશે એવું વડા પ્રધાને જણાવ્યું હતું.
સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું બેટ દ્વારકાના નાગરિકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કરીને ભારત માતા કી જયના નાદથી વધાવી લીધા હતા. બેટ દ્વારકા હેલિપૅડથી મુખ્ય મંદિરના રસ્તા સુધી નાગરિકોએ માર્ગમાં વડા પ્રધાનને આવકાર્યા હતા. વિવિધ કલાકારો દ્વારા કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. અહીંના વિવિધ સમાજના અગ્રણીઓ, આગેવાનો તેમ જ નાગરિકોએ ઉત્સાહપૂર્વક વડા પ્રધાનને વધાવી લીધા હતા. નરેન્દ્રભાઈ મોદીએ પણ બેટ દ્વારકાના નાગરિકોના અભિવાદનને ઝીલીને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો.