નરેન્દ્ર મોદીએ કાલે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને સુરતથી જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ કરાવ્યો
વર્ચ્યુઅલી સંબોધન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ તેમના સંબોધનને સાંભળી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિપ્રધાન સી.આર. પાટીલ સહિતના પ્રધાનો અને નાગરિકો.
રિડ્યુસ, રીયુઝ, રીચાર્જ અને રીસાઇકલનો મંત્ર અપનાવીને દેશનું જળ-ભવિષ્ય સુરિક્ષત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કરીને ગઈ કાલે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહીને જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ યોજાયેલા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ વરસાદનાં પાણીના એક-એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઊંચાં લાવવાના હેતુ સાથે કહ્યું હતું કે ‘જળ-સંરક્ષણ એ માત્ર નીતિઓનો વિષય નથી, પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે. આવનારી પેઢીઓ આપણા તરફ સન્માનની નજરે જુએ, આદર સાથે યાદ કરે એ માટે ભૂગર્ભમાં મહત્તમ જળસંચય થવો જરૂરી છે. જળસંચયની યોજના જળસ્રોતોનું રક્ષણ જ નહીં, ભાવિ પેઢીને સમુદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે. એટલે જ સરકાર જળ-સંરક્ષણ દ્વારા જળ-સુરક્ષાને નવી તાકાત આપવા સંકલબદ્ધ છે. જાગ્રત જનમાનસ, જનભાગીદારી અને જનઆંદોલન એ જળસંચય અભિયાનની સૌથી મોટી શક્તિ છે ત્યારે દેશમાં જનભાગીદારીથી ૬૦ હજાર અમૃત સરોવરોનું નિર્માણ થયું છે. જળસંચય જનભાગીદારી યોજનાનો મુખ્ય આશય ગુજરાતભરમાં ૨૪,૮૦૦ જળસંચય સ્ટ્રક્ચર ઊભાં કરવાનો છે, જે સફળ બનશે. જળસંચય એ માત્ર એક પૉલિસી જ નથી, એક પુણ્ય કાર્ય છે, જેમાં ઉદારતાની સાથે ઉત્તરદાયિત્વ પણ સામેલ છે.’