સ્ટૅચ્યુ ઑફ યુનિટીના સફારી પાર્કમાં દીપડાએ એક કાળિયારનો શિકાર કર્યો એ પછી બાકીનાં સાત કાળિયાર આઘાતમાં મૃત્યુ પામ્યાં
પ્રતીકાત્મક તસવીર
કેવડિયામાં આવેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટીના જંગલ સફારી પાર્કમાં પહેલી જાન્યુઆરીએ એક દીપડો ઘૂસી આવ્યો હતો અને એણે એક કાળિયારનો શિકાર કર્યો હતો. આ જોઈને સાત કાળિયાર શૉકથી મૃત્યુ પામ્યાં હોવાની દુખદ ઘટના બની છે. આ દુર્ઘટના વિશે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ સંદર્ભે જંગલ ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કેવડિયા કૉલોનીમાં આવેલા સફારી પાર્કની ઊંચી ફૅન્સ કુદાવીને બેથી ત્રણ વર્ષની ઉંમરનો એક દીપડો એમાં ઘૂસી આવ્યો હતો. આ સફારી પાર્ક શૂલપાણેશ્વર વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં આવેલો છે અને પર્યટકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ દીપડો સફારી પાર્કમાં પહોંચી ગયો હતો અને એણે એક કાળિયારનો શિકાર કર્યો હતો. આ જોઈને બાકીનાં સાત કાળિયાર ગભરાઈ ગયાં હતાં અને કદાચ શૉકથી મૃત્યુ પામ્યાં હતાં. પોસ્ટમૉર્ટમ કર્યા બાદ આ તમામના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’
ADVERTISEMENT
આ ઘટના સંદર્ભે જંગલ ખાતાના ડેપ્યુટી કન્ઝર્વેટર અગ્નિશ્વર વ્યાસે કહ્યું હતું કે ‘કેવડિયા ડિવિઝનમાં દીપડાની મૂવમેન્ટ જોવા મળે છે, પણ પહેલી વાર દીપડો સફારી પાર્કમાં ઘૂસી આવ્યો હતો. પાર્કમાં ૪૦૦ જેટલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ફિટ કરવામાં આવ્યા છે અને તેથી દીપડાની એન્ટ્રીની જાણ તાત્કાલિક થઈ હતી. સુરક્ષા-રક્ષકોએ દીપડાને ભગાવવાના પ્રયાસો કર્યા હતા અને દીપડો નાસી છૂટ્યો હતો. અમને એ ખબર નથી કે દીપડો સફારી પાર્કની બહાર ગયો છે કે નહીં.’
આ ઘટના બાદ પાર્કને ૪૮ કલાક માટે બંધ રાખવામાં આવ્યો હતો અને ૩ જાન્યુઆરીએ એ ફરીથી ટૂરિસ્ટો માટે ખોલવામાં આવ્યો હતો.