નખત્રાણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના સનાતની શતાબ્દી મહોત્સવને સંબોધતાં વડા પ્રધાને આ વાત કહી
વિડિયો મેસેજ દ્વારા નખત્રાણામાં ગઈ કાલે કચ્છ કડવા પાટીદાર સમાજના સનાતની શતાબ્દી મહોત્સવને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે કચ્છ ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં નખત્રાણામાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સનાતની શતાબ્દી મહોત્સવને વિડિયો મેસેજના માધ્યમથી સંબોધતાં વડા પ્રધાને આ વાત કહી હતી.
તેમણે કહ્યું હતું કે ‘હજારો વર્ષોથી ભારતના સમાજ પર વિદેશી ઘૂસણખોરો દ્વારા અત્યાચારો કરવામાં આવ્યા છે, પરંતુ પૂર્વજોએ તેમની ઓળખ ક્યારેય ભૂંસાવા દીધી નથી કે ન તો પોતાની આસ્થાને ખંડિત થવા દીધી છે.’
ADVERTISEMENT
વડા પ્રધાને કહ્યું હતું કે ‘સનાતન માત્ર એક શબ્દ નથી, એ નિત્ય-નૂતન અને સતત પરિવર્તનશીલ છે. એમાં ભૂતકાળ કરતાં પોતાની જાતને વધુ સારી બનાવવાની એક સહજ ઇચ્છા છે. એટલે જ એ અમર છે.’
મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અનેક પ્રોજેક્ટ્સ માટે કડવા પાટીદાર સમાજની સાથે કામ કરવાની પળોને યાદ કરી હતી.
તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે દેશમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતા જિલ્લાઓમાં કચ્છનો સમાવેશ થાય છે. તેમણે એના માટે આ પ્રદેશમાં કનેક્ટિવિટીમાં સુધારો, મોટા ઉદ્યોગો અને કૃષિ નિકાસનાં ઉદાહરણો આપ્યાં હતાં.