પુત્ર તરીકેની જવાબદારી નિભાવીને કામ પ્રત્યેની જવાબદારી અદા કરી નરેન્દ્ર મોદીએ, વર્ચ્યુઅલ રીતે કલકત્તાના કાર્યક્રમમાં હાજર રહ્યા અને ટ્રેનને લીલી ઝંડી બતાવી, સરદાર વલ્લભભાઈ પટેલ સાથે બનેલી ઘટનાની યાદ તાજી થઈ
ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું મૃત્યુ થયા બાદ અંતિમ સંસ્કાર વિધિ પૂર્ણ કરીને નરેન્દ્ર મોદીએ એક પુત્ર તરીકે જવાબદારી નિભાવીને થોડી વાર પછી કલકત્તાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહીને ટ્રેનને લીલી ઝંડી બતાવીને પોતાની ફરજ પ્રત્યેની જવાબદારી અદા કરી હતી જેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે બનેલી ઘટનાની યાદ તાજી થઈ હતી.
પોતાનાં માતા હીરાબાના નિધનની જાણ થતાં નરેન્દ્ર મોદી દિલ્હીથી ગઈ કાલે રાયસણ ગામે પહોંચીને પરિવારજનો સાથે મળીને માતાની અંતિમ સંસ્કાર વિધિ કરી હતી. માતાનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં મળી ગયા બાદ નરેન્દ્ર મોદીએ પોતાના કામ પ્રત્યેની ફરજને પ્રાથમિકતા આપી હતી. નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં આવેલા રાજભવનમાં જઈને વિડિયો-કૉન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. માતાનું મૃત્યુ થયું હોય ત્યારે સ્વભાવિક છે કે દીકરાની મનોસ્થિતિ કેવી હોય. વ્યક્તિ વ્યથિત થઈ જાય અને વેદના થતી હોય, પણ આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે નરેન્દ્ર મોદીએ સ્વસ્થતા કેળવી લીધી હતી. એક તરફ માતાના મૃત્યુનુ દુઃખ અને બીજી તરફ નરેન્દ્ર મોદીની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઈને સરદાર વલ્લભભાઈ પટેલનાં પત્ની ઝવેરબાના અવસાનની વર્ષો અગાઉ બનેલી ઘટનાની યાદ તાજી થઈ હતી.
ADVERTISEMENT
ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરદાર વલ્લભભાઈ પટેલ ૧૯૦૯માં બોરસદ કોર્ટમાં કેસ લડી રહ્યા હતા. આ દરમ્યાન તેમનાં પત્ની ઝવેરબાનું મુંબઈમાં અવસાન થયું હતું એનો તાર તેમને મળ્યો હતો. એ સમયે મુકદમો ક્રુશિયલ સ્ટેજ પર હતો, પણ સરદારસાહેબે કર્તવ્ય પહેલા અને પછી અંગત એમ તેમણે પહેલાં મુકદમો પૂરો કર્યો અને પછી તેઓ ફસડાઈને બેસી ગયા હતા. આવો પ્રસંગ નોંધાયો હતો. પોતાનું અંગત સ્વજન મૃત્યુ પામ્યું હોવા છતાં તેમણે ફરજને પ્રાથમિકતા આપી હતી.’