સુરતની ડાયમન્ડ હૉસ્પિટલમાં દિવાળીના દિવસે એક પછી એક ૧૯ ડિલિવરી થઈ અને બાળકોનો કિલકિલાટ છવાઈ ગયો
સુરતની ડાયમન્ડ હૉસ્પિટલમાં ૧૯ ન્યુબૉર્ન બેબી સાથે પરિવારજનો અને હૉસ્પિટલનો સ્ટાફ.
દિવાળી જેવા પવિત્ર દિવસે સુરતની ડાયમન્ડ હૉસ્પિટલમાં એક પછી એક ૧૯ ડિલિવરી થઈ હતી અને ૧૦ દીકરીઓ તથા ૯ દીકરાઓનો જન્મ થતાં હૉસ્પિટલમાં બાળકોનો કિલકિલાટ છવાઈ ગયો હતો. પરિવારજનો અને હૉસ્પિટલ સ્ટાફમાં પણ હરખની હેલી છવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય બાબત એ હતી કે આ ૧૯ ડિલિવરી પૈકી એક પણ પ્લાન્ડ ડિલિવરી નહોતી.
સુરત ડાયમન્ડ અસોસિએશન આરોગ્ય સમિતિ દ્વારા સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી અને માતુશ્રી શાંતાબા વિડિયા હૉસ્પિટલ જે ડાયમન્ડ હૉસ્પિટલ તરીકે જાણીતી છે એમાં ગુરુવારે દિવાળીના દિવસે સમગ્ર દિવસ દરમ્યાન બાળકોનો જન્મ થયો હતો. એમાં પણ દિવાળીના દિવસે જ ૧૦ દીકરીઓનો જન્મ થતાં ઘરે ‘લક્ષ્મીજી’નું આગમન થયાની લાગણી સાથે પરિવારજનોમાં ખુશી પ્રસરી ગઈ હતી. ડાયમન્ડ હૉસ્પિટલના ડૉ. હરેશ પાઘડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેટલી પણ ડિલિવરી થઈ છે એ તમામ નૉર્મલ ડિલિવરી હતી, એક પણ ડિલિવરી પ્લાન કરાઈ નહોતી. ૧૯ ડિલિવરી થતાં તમામ ડૉક્ટર સહિતના સ્ટાફમાં ખુશી છવાઈ ગઈ હતી. બધાં બેબીઝ અને તેમની મધર હેલ્ધી છે. અમારી હૉસ્પિટલમાં નૉર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર ૧૮૦૦ રૂપિયા છે, પરંતુ દીકરીનો જન્મ થાય તો નૉર્મલ ડિલિવરીનો ચાર્જ લેવામાં આવતો નથી.’