પાલિતાણામાં જૈનોની આસ્થાને લગતા તમામેતમામ પ્રશ્નોનું અધ્યયન કરીને પગલાં ભરવા ગુજરાત સરકારે કરી ટાસ્ટફોર્સ રચવાની જાહેરાત : શત્રુંજય પર્વત પર પોલીસચોકી બનાવાશે
ફાઇલ તસવીર
ગુજરાતમાં આવેલા જૈન સમાજની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી શત્રુંજય તીર્થના મુદ્દે જૈન સમાજ દ્વારા થઈ રહેલા આંદોલનની અસર થઈ છે અને ગુજરાત સરકારે પાલિતાણામાં આવેલા શ્રી શત્રુંજય તીર્થમાં બનેલા બનાવની તપાસ કરવા માટે ટાસ્કફોર્સ રચવાની જાહેરાત કરી છે અને વિવિધ પ્રશ્ને તપાસ હાથ ધરીને એ કસૂરવારો સામે પગલાં ભરશે. એટલું જ નહીં, શત્રુંજય પર્વત પર પોલીસચોકી પણ બનાવવામાં આવશે.
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગઈ કાલે જાહેરાત કરતાં કહ્યું કે ‘પાલિતાણા માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, દુનિયાભરમાં વસતા જૈનો માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે. પાલિતાણાના અનેક પ્રશ્નો જેમ કે ડોળીવાળાનો પ્રશ્ન, રસ્તાનો પ્રશ્ન, ખનનનો પ્રશ્ન હોય કે પછી બીજા અનેક પ્રશ્નોને લઈને છેલ્લા અનેક દિવસથી રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તમામ પ્રશ્નોમાં ઊંડાણપૂર્વક ચર્ચાવિચારણા થયા પછી મુખ્ય પ્રધાને નિર્ણય લીધો છે કે ટાસ્કફોર્સ બનાવવામાં આવશે. આ ટાસ્કફોર્સ તમામ વિષયો પર અધ્યયન કરીને, તપાસ કરીને પગલાં ભરશે. તમામ કામમાં સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહી છે.’
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું કે ‘શત્રુંજય પર્વત પર સ્પેશ્યલ પોલીસચોકી બનાવવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફ અહીં મુકાશે અને લૉ ઍન્ડ ઑર્ડર સંભાળશે.’