ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ તેમ જ અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા હતા
અમદાવાદમાં જગન્નાથજી મંદિરથી ૧૪૬મી રથયાત્રા નીકળી હતી. નવા રથમાં બિરાજમાન પ્રભુ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનાં દર્શન માટે ભાવિકો ઊમટ્યા હતા. તસવીર જનક પટેલ.
અમદાવાદમાં ગઈ કાલે નીકળેલી રથયાત્રા દરમ્યાન બપોરે શહેરના કડિયાનાકા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી એ દરમ્યાન એક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો. જેને કારણે બાલ્કનીમાં ઊભા રહેલા તેમ જ આ મકાનની નીચે ઊભા રહીને રથયાત્રા નિહાળી રહેલા ૩૨ લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ તેમ જ અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં ૩૨ લોકોને સારવાર માટે લવાયા હતા અને ૩૫ વર્ષના મેહુલ પંચાલનું મૃત્યુ થયું છે.’