અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘના સભ્યોએ તારામંડળ, કોઠી ફોડીને સેલિબ્રેશન કર્યું તેમ જ સ્કૂટર-બાઇક રૅલી યોજી: રાજકોટ, સુરત, ભુજથી પણ પત્નીપીડિત પતિઓ આવ્યા
આંતરરાષ્ટ્રીય પુરુષ દિને અમદાવાદમાં પત્નીપીડિત પતિઓએ રૅલી યોજી હતી.
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ગઈ કાલે ગુજરાતના અમદાવાદમાં પત્નીપીડિત પુરુષોએ અનોખી રીતે ઉજવણી કરી હતી. અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘના સભ્યોએ તારામંડળ તેમ જ કોઠી ફોડીને સેલિબ્રેશન કર્યું હતું અને સ્કૂટર-બાઇક રૅલી યોજીને માગણી કરી હતી કે ભારતમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવવો જોઈએ.
પત્નીપીડિત પુરુષોએ તારામંડળ અને કોઠીઓ ફોડીને ઉજવણી કરી હતી. (તસવીરો: જનક પટેલ).
ADVERTISEMENT
અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘના અધ્યક્ષ દશરથ દેવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ ઊજવવામાં આવે તો પુરુષો માટે કેમ નહીં? એટલે અમારા પત્નીપીડિત સંઘના સભ્યોએ એકઠા થઈને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસનું સેલિબ્રેશન કર્યું હતું. તારામંડળ અને કોઠી ફોડીને દિવાળી જેવો માહોલ બનાવ્યો હતો કેમ કે અમારા માટે આ દિવસ દિવાળી જેવો છે. આ દિવસની ઉજવણી માટે અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, ભુજથી પણ સંઘના સભ્યો આવ્યા હતા. સંઘના સભ્યોને માટે ખાસ ડ્રેસ-કોડ હતો, જેમાં સંઘના લોગો સાથેનું ટી-શર્ટ અને બ્લૅક પૅન્ટ પહેરીને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.’