મુંબઈની ગુજરાતી શાળામાં ભણેલા અને હાલ અમેરિકામાં રહેતા મનસુખ શાહ ગાંધી નિર્વાણ દિને ગઈ કાલે ફૅમિલી મેમ્બર્સ સાથે બાપુના આશ્રમમાં આવીને થયા ભાવવિભોર અને બોલી ઊઠ્યા, ‘ડ્રીમ કમ ટ્રુ’
પહેલી વાર સાબરમતી આશ્રમની મુલાકાત લેનાર મનસુખ શાહ અને તેમની સાથે મૃદુલા શાહ, સુશી શાહ અને પ્રેમચંદ શાહ.
અમદાવાદ : એક સમયે મુંબઈની ગુજરાતી શાળામાં અભ્યાસ કરતાં-કરતાં ગાંધીબાપુનો આશ્રમ જોવાનું સપનું જેમણે જોયેલું એ અમેરિકામાં રહેતા મનસુખ શાહનું સપનું ૭૭ વર્ષની ઉંમરે સાકાર થયું છે. ગઈ કાલે ગાંધી નિર્વાણ દિને તેઓ ફૅમિલી મેમ્બર્સ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમમાં આવીને ભાવવિભોર થયા હતા અને બોલી ઊઠ્યા હતા, ‘ડ્રીમ કમ ટ્રુ.’
સાબરમતી આશ્રમમાં ગાંધીબાપુના હૃદયકુંજની પરસાળમાં બેઠેલા મનસુખ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે મારું સપનું સાકાર થયું છે. મને ૭૭ વર્ષ થયાં છે અને હું પહેલી વાર આશ્રમમાં આવ્યો છું. અત્યારે તો છેલ્લાં ૫૭ વર્ષથી હું લૉસ ઍન્જલસમાં રહું છું, પણ એક સમયે હું મુંબઈના માટુંગામાં રહેતો હતો અને પ્રીમિયર હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો જે ગુજરાતી સ્કૂલ હતી. એ વખતે ગાંધીબાપુ મારા પ્રેરણાદાતા હતા, મારા હીરો હતા..’
ADVERTISEMENT
મનસુખ શાહે તેમનાં ફૅમિલી મેમ્બર્સ મૃદુલા શાહ, સુશી શાહ અને પ્રેમચંદ શાહ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને શાંતિનો અહેસાસ કર્યો હતો. આ ફૅમિલીએ હૃદયકુંજમાં મૂકેલી વિઝિટર્સ-બુકમાં બાપુ અને આશ્રમ વિશે પોતાના વિચારોની નોંધ ટપકાવી હતી.