રમતાં-રમતાં રમકડાના મોબાઇલનો એલઈડી બલ્બ ગળી જનાર નવ મહિનાના બાળક પર અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ જટિલ સર્જરી કરીને બચાવી લીધો
નવ મહિનાના બાળદરદીને બચાવી લેનાર અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરો સહિતનો સ્ટાફ અને બાળકના વાલી.
અમદાવાદઃ રમતાં-રમતાં રમકડાના મોબાઇલનો એલઈડી બલ્બ ગળી જનાર નવ મહિનાના બાળક પર અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ જટીલ સર્જરી કરીને તેને બચાવી લીધો છે અને બાળક સ્વસ્થ થતાં તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મધ્યપ્રદેશના રતલામમાં રહેતા હસરત અલીનો નવ મહિનાનો બાળક બલ્બ ગળી જતાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને સારવાર માટે અમદાવાદ લવાયો હતો. સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને બાળરોગ સર્જરીના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમે બાળક પર સર્જરી કરીને એલઈડી બલ્બ દૂર કર્યો હતો.
સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે ‘નવ મહિનાનું બાળક એલઈડી બલ્બ ગળી ગયું હતું જેના કારણે શ્વાસોચ્છ્વાસમાં તકલીફ વધતાં સિવિલ હૉસ્પિટલમાં તેને લઈને તેના વાલી આવ્યા હતા. અહીં બાળકનો એક્સરે કાઢતાં તેના ફેફસામાં પિન આકારની વસ્તુ જોવા મળી
હતી. બ્રોકોસ્કોપી દ્વારા તેના ફેફસાની તપાસ કરી હતી, જેમાં રમકડાના મોબાઇલનો બલ્બ મળી આવ્યો હતો; જેને સર્જરી કરીને કાઢી લેવામાં આવ્યો હતો.’