Helicopter Crash at Porbandar Airport: આ દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત ત્રણ લોકોનું મૃત્યુ થયું હતું. ક્રૂ મેમ્બર્સને દાઝી ગયેલી હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના પોરબંદર એરપોર્ટ પર એક મોટો અકસ્માત થયો છે. આ ઘટના બાબતે જણાવતા એક અધિકારીએ કહ્યું હતું કે “કોસ્ટ ગાર્ડનું એક હેલિકૉપ્ટર ત્યાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ હેલિકૉપ્ટર ALH (એડવાન્સ્ડ લાઇટ હેલિકૉપ્ટર) ધ્રુવ રૂટીન ફ્લાઈટ પર હતું ત્યારે તેને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત ત્રણ લોકોનું મૃત્યુ થયું હતું. ક્રૂ મેમ્બર્સને દાઝી ગયેલી હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
હેલિકૉપ્ટર નિયમિત ઉડાન ભરી રહ્યું હતું
ADVERTISEMENT
સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ, રવિવારે બપોરે 12 વાગ્યે ગુજરાતનાં પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ હેલિકૉપ્ટરને એક મોટો અકસ્માત નડ્યો હતો. હેલિકૉપ્ટર રૂટીન ફ્લાઈટ પર હતું જે બાદ હેલિકૉપ્ટર લેન્ડિંગ કરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. હેલિકૉપ્ટર જ્યારે લેન્ડિંગ કરતું હતું ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી. હેલિકૉપ્ટરમાં બે પાયલોટ સહિત કુલ ત્રણ લોકો સવાર હતા. આ અકસ્માતમાં ત્રણેયના મોત નિપજ્યાં છે.
પહેલા પણ ધ્રુવ હેલિકૉપ્ટર અનેક વખત અકસ્માતનો ભોગ બન્યો હતો
ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં જ ભારતીય કોસ્ટ ગાર્ડનું ધ્રુવ હેલિકૉપ્ટર અરબી સમુદ્રમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં ત્રણ ક્રૂ મેમ્બર ગુમ થઈ ગયા હતા જેમાંથી એક ક્રૂ મેમ્બરને શોધી બચાવી લેવામાં આવ્યો હતો. અગાઉ માર્ચમાં પણ નેવીના ધ્રુવ હેલિકૉપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ધ્રુવ હેલિકૉપ્ટરનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. ઘણા વર્ષોના પરીક્ષણ ફ્લાઇટ્સ પછી, તેને 2002 માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ હેલિકૉપ્ટરમાં બે પાઈલટ સહિત 12 લોકો બેસી શકે છે. આનો ઉપયોગ લશ્કરી અને નાગરિક બન્ને કામકાજ માટે થઈ શકે છે. ધ્રુવ હેલિકૉપ્ટર ઍન્ટી ટૅન્ક ગાઈડેડ મિસાઈલથી પણ સજ્જ થઈ શકે છે. આ ઉપરાંત તેમાંથી હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ પણ છોડી શકાય છે. ધ્રુવ હેલિકૉપ્ટર તેની શ્રેણીનું શ્રેષ્ઠ હેલિકૉપ્ટર માનવામાં આવે છે.
થોડા સમય પહેલા ઇન્ડિયન ઍર ફોર્સનું એક ફાઈટર જૅટ ક્રેશ થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી. આ પ્લેન ક્રેશ બાબતે હવે વિશેષ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાનું ફાઈટર ઍરક્રાફ્ટ મિગ-29 ઉત્તર પ્રદેશના આગ્રામાં ક્રેશ થયું હતું. ટેક ઑફ કરતી વખતે જ વિમાનમાં અચાનકથી આગ લાગી હતી. જે બાદ તે આગનો ગોળો બનીને એક મેદાનમાં પડ્યું હતું. આ દુર્ઘટના સમયે વિમાનમાં બે પાયલટ બેસ્યા હતા. આગ લાગ્યાની થોડી જ સેકન્ડોમાં પાઈલટ અને કો-પાઈલટ બન્નેને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પાયલોટ અને કો-પાયલોટ પેરાશૂટ દ્વારા પ્લેન ક્રેશ થયાના વિસ્તારથી લગભગ બે કિલોમીટર જેટલા દૂર ઉતર્યા હતા.