બ્રિજ વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકાયા બાદ માત્ર ચાર વર્ષથી ઓછા સમયગાળા દરમ્યાન ક્ષતિઓ થવાની શરૂઆત થઈ હતી, ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા, ચાર નિવૃત્ત એન્જિનિયર સામે ખાતાકીય તપાસ
અમદાવાદના આ હાટકેશ્વર બ્રિજ પર પડેલાં ગાબડાંના મામલે આખરે નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ ઃ ગુજરાતમાં અમદાવાદ શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા ખોખરાથી સી.ટી.એમ. ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંક્શન પર બનેલો હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજની નબળી ગુણવત્તા સાબિત થતાં અને વાહનચાલકો માટે જોખમી બનતાં હાટકેશ્વર બ્રિજ તોડી પાડવાનો નિર્ણય કરાયો છે. એટલું જ નહીં, નબળો બ્રિજ બનાવનાર અજય એન્જિનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સામે પોલીસ ફરિયાદ થશે અને બ્લૅક લિસ્ટ કરાશે. આ કેસમાં ચાર એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાટકેશ્વર વિસ્તારમાં આવેલો અને છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ અને હાટકેશ્વર બ્રિજના નામથી ઓળખાતો આ બ્રિજ વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકાયા બાદ માત્ર ચાર વર્ષથી ઓછા સમયગાળા દરમ્યાન બ્રિજમાં ક્ષતિઓ થવાની શરૂઆત થઈ હતી. બ્રિજમાં ગાબડાં પડતાં અને રોડ પર સળિયા પણ દેખાતાં ક્ષતિગ્રસ્ત થયેલો આ બ્રિજ છેલ્લા છ-આઠ મહિનાથી સલામતીને ધ્યાનમાં રાખીને જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજમાં થતા સેટલમેન્ટ, બ્રિજના રીસ્ટોરેશન કરવા વિશે તેમ જ બ્રિજની ગુણવત્તા બાબતે કૉન્ક્રીટની વિવિધ લૅબોરેટરીમાં કરેલી અલગ-અલગ ટેસ્ટના રિપોર્ટ પૃથક્કરણ કરવા ત્રણ તજજ્ઞોની પૅનલને કામગીરી સોંપવામાં આવી હતી. આ ત્રણ તજજ્ઞોની પૅનલે સુપર સ્ટ્રક્ચરનો વચગાળાનો રિપોર્ટ આપીને તારણો રજૂ કર્યાં છે. તજજ્ઞોએ તેમના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે કૉન્ક્રીટની ગુણવત્તા નબળી છે.
ત્રણ તજજ્ઞોની પૅનલે રજૂ કરેલાં તારણો વિશે માહિતી આપતાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને કહ્યું હતું કે ‘તજજ્ઞ પૅનલના રિપોર્ટ અનુસાર સુપર સ્ટ્રક્ચરને સંપૂર્ણ દૂર કરી બ્રિજના સુપર સ્ટ્રક્ચરને નવેસરથી પુનર્નિર્માણની કામગીરી કૉન્ટ્રૅક્ટરના ખર્ચે અને જોખમે કરવા નિર્ણય કર્યો છે. આ કામના કૉન્ટ્રૅક્ટર અજય એન્જિનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. સામે ક્રિમિનલ પ્રોસેસ અંતર્ગત પોલીસમાં એફ.આઇ.આર.ની કાર્યવાહી કરવા તેમ જ કંપનીને બ્લૅક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત આ કામના પ્રોજેક્ટ મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ એસ.જી.એસ. ઇન્ડિયા પ્રા.લિ. સામે પણ ક્રિમિનલ પ્રોસેસ અંતર્ગત પોલીસમાં એફ.આઇ.આર.ની કાર્યવાહી કરવા અને બ્લૅક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત આ કામનું યોગ્ય રીતે સુપરવિઝન નહીં કરવા બાબતે બ્રિજ સાથે સંકળાયેલા મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ જવાબદાર હોવાથી તેમની સામે ગંભીર પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં હાલ ફરજ પરના ચાર એન્જિનિયરને ફરજ મોફુકી કરી ખાતાકીય તપાસ હાથ ધરાશે તેમ જ અન્ય ચાર નિવૃત્ત એન્જિનિયર સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે હાટકેશ્વર બ્રિજમાં પડેલાં ગાબડાં અને નબળી ગુણવત્તાના મુદ્દે હાટકેશ્વર વિસ્તારના માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યૉર્જ ડાયસે લોક આંદોલન શરૂ કર્યું હતું. છેલ્લા છ મહિનાથી તેઓ આંદોલન ચલાવીને બ્રિજની તપાસ કરવા તેમ જ એને જોખમી બની ગયેલો આ બ્રિજ તોડી પાડવા માટે માગણી કરી હતી.