આ ઉપરાંત અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ૨૫૦૦ દીવડાઓની દીપમાળાની રોશનીથી મંદિર ઝળહળશે
ભગવાન રણછોડરાયજી
અમદાવાદઃ અયોધ્યામાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ગુજરાતમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજીના મંદિરમાં ‘ડાકોરના ઠાકોર’ રણછોડરાયજી રામચંદ્રજી સ્વરૂપ ધારણ કરશે એટલું જ નહીં, આ દિવસે સાંજે ૨૫૦૦ દીવડાઓની દીપમાળાની રોશનીથી મંદિર ઝળહળી ઊઠશે.
અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે આ દિવસે ગુજરાતના યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે એની વિગતો આપતાં ડાકોર મંદિરના મૅનેજર જગદીશ દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થવાની છે, જે સનાતન ધર્મ માટે ગૌરવની વાત છે અને એની ઉજવણીનો ઉમંગ વિશ્વમાં વ્યાપેલો છે ત્યારે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ અને સેવકભાઈઓએ આ યાદગાર દિવસની શાનદાર રીતે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ૨૨મી જાન્યુઆરીએ રણછોડરાયજીને વિશિષ્ટ ઉત્સવ તિલક કરાશે. પીળું પીતાંબર પહેરાવવામાં આવશે, મુગટ અને ધનુષ પણ ધારણ કરાવવા સહિત રણછોડરાયજીને શૃંગાર કરાશે અને ઠાકોરજી શ્રીરામ સ્વરૂપે ભક્તોને દર્શન આપશે. બપોરે ૧૨.૨૦ વાગ્યે ઠાકોરજીની આરતી થશે, વિશેષ ભોગ ધરાવાશે અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. સાંજે કુંવારિકાઓની મંદિર પરિસરમાં કળશયાત્રા યોજાશે અને આ કુંવારિકાઓનું પૂજન કરવામાં આવશે. દિવસ દરમ્યાન રામાયણની ચોપાઈઓનું ઑડિયો દ્વારા ગાન થશે. ખાસ બાબત એ બની રહેશે કે સાંજે સાડાછ વાગ્યે મંદિરમાં ૨૫૦૦થી વધુ દીવાઓ પ્રગટાવીને દીપમાળાથી રોશની કરવામાં આવશે. આ સમયે મંદિરની લાઇટો બંધ કરવામાં આવશે.’

