Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કર્ટન કૉલ વખતે મંચ પર જ ફસડાઈ પડ્યો

કર્ટન કૉલ વખતે મંચ પર જ ફસડાઈ પડ્યો

Published : 02 October, 2023 09:40 AM | IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

નાટક ‘બે અઢી ખીચડી કઢી’નો દાહોદ ખાતેનો શો પૂરો થયા પછી કર્ટન કૉલ ચાલતો હતો એ દરમ્યાન સ્ટેજના દરવાજા પાસે ઊભેલા ભાસ્કરને ચેસ્ટ-પેઇન શરૂ થયું અને હૉસ્પિટલમાં પહોંચે એ પહેલાં જ મૃત્યુ થયું

ભાસ્કર ભોજક

ભાસ્કર ભોજક


બહુ નાની ઉંમરે ગુજરાતી રંગભૂમિ પર પોતાની અમીટ છાપ છોડી દેનારા અને સતત હસતા-હસાવતા રહેલા ૩૯ વર્ષના ઍક્ટર ભાસ્કર ભોજકે શનિવારે મોડી રાતે દાહોદમાં હાર્ટ-અટૅકથી જીવ ગુમાવ્યો હતો.


સંજય ગોરડિયાના નાટક ‘બે અઢી ખીચડી કઢી’માં રોલ કરતા ભાસ્કરને ચાલુ શોમાં જ સતત વૉમિટ જેવું લાગતું હતું અને નાટક દરમ્યાન તે એક વખત તો વૉમિટ પણ કરી આવ્યો. એ પછી તેને નૉર્મલ ફીલ થતું હતું. જોકે હકીકતમાં કુદરત રમત રમતી હતી. નાટક પૂરું થયા પછી કર્ટન કૉલમાં સંજય ગોરડિયા સૌ કલાકારની ઓળખાણ ઑડિયન્સને આપતા હતા એ સમયે મંચ પર દરવાજા પાસે ભાસ્કર પણ ઊભો હતો અને ત્યારે જ તે મંચ પર ફસડાઈ પડ્યો.



નાટક જોવા માટે આવેલી ઑડિયન્સમાં ડૉક્ટર્સ પણ હતા. તેમણે તરત જ ભાસ્કરને સીપીઆર અને માઉથ-ટુ-માઉથ શ્વાસોશ્વાસ આપવાની કોશિશ કરી, પણ તેમના એ પ્રયાસ વ્યર્થ રહ્યા અને દાહોદની રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભાસ્કરને મૃત્યુ પામેલો જાહેર કરવામાં આવ્યો. આખી ટીમ વહેલી સવારે પાંચ વાગ્યે મુંબઈ આવવા માટે નીકળવાની હતી, પણ ભાસ્કરના દેહાંત પછી રાતે દોઢ વાગ્યે પાર્થિવ દેહ સાથે ટીમ મુંબઈ પાછી આવવા રવાના થઈ. ટીમના પ્રત્યેક મેમ્બરને ભાસ્કર માટે વિશેષ લાગણી હતી.


સંજય ગોરડિયા કહે છે, ‘હું શું કહું એ જ નથી સમજાતું. તે બધેબધાની સાથે હસી-મજાક કર્યા કરતો હોય. મેં તો સેંકડો વખત કહ્યું છે કે મારો તો તે ફેવરિટ કલાકાર. મારી ટીમમાં તે હોય જ હોય. ‘છેલછબીલો ગુજરાતી’, ‘આ નમો બહુ નડે છે’, ‘સુંદર બે બાયડીવાળો’, ‘આપણું બધું કાયદેસર છે’, ‘બૈરાંઓનો બાહુબલી’ સહિત અમે ૯ નાટક સાથે કર્યાં. ભાસ્કર માટે અમે નાટકમાં રોલ બનાવીએ જ બનાવીએ. કામ પ્રત્યે તેનું એટલું ડેડિકેશન કે કામ સોંપ્યા પછી તમારે બિલકુલ નિષ્ફિકર થઈ જવાનું. અમે માત્ર નાટકો જ સાથે નથી કર્યાં, પણ અમે સાથે ટાઇમ પણ ખૂબ પસાર કર્યો છે.’

મીરા રોડના હાટકેશ નજીક આવેલા વિનય નગરમાં રહેતા ભાસ્કર ભોજકના અંતિમ સંસ્કાર ગઈ કાલે બપોરે દોઢ વાગ્યે મીરા રોડના મુક્તિધામ ખાતે કરવામાં આવ્યા હતા. વિધિની વક્રતા જુઓ, હજી આ જ મહિનાની ચોથી તારીખે ભાસ્કરે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. ભાસ્કરે થોડા સમય પહેલાં જ મૅરેજ કર્યાં હતાં. મૅરેજ સમયે પણ તેના સાથી-કલાકારો તેને એકધારા કહેતા હતા કે અહીં તો હસવાનું રહેવા દે, પણ ભાસ્કર બધા સાથે હસી-મજાક કરતો રહ્યો. છેવટે થાકી-હારીને ફોટોગ્રાફરે ભાસ્કરને રિક્વેસ્ટ કરવી પડી હતી કે ‘ભાઈ, ફોટો બરાબર નથી આવતા. હવે હસો નહીં...’


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2023 09:40 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK