૧૦૦૦ મેટ્રિક ટન કચરાના નિકાલથી કલાકની ૧૫ મેગાવૉટ વીજળી ઉત્પન્ન થશે
અમદાવાદમાં વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ શરૂ થયો
ગુજરાતમાં અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ શરૂ થયો છે. આ પ્લાન્ટમાં રોજ ૧૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને કલાકની ૧૫ મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાંથી રોજેરોજ નીકળતો હજારો મેટ્રિક ટન કચરો પિરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે હવે એક કદમ આગળ વધીને મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે શરૂ કરવામાં આવેલો આ પ્લાન્ટ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે વીજળી પણ ઉત્પન્ન કરી પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે. આ પ્લાન્ટ ૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો છે.