Gujarat’s Jamnagar records first death by Congo Fever: આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કૉંગો ફીવર વાયરસથી સંક્રમિત દર્દીઓમાં તાવ, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ચક્કર આવવાની સમસ્યા જેવા લક્ષણો જોવા મળે છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના જામનગરમાં કૉંગો ફીવરથી પીડિત એક વ્યક્તિનું મોત થયું. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં આ રોગને કારણે પહેલા મૃત્યુની નોંધ કરવામાં આવી છે. દર્દીના લોહીના નમૂનાની તપાસ કરતાં વાયરસની પુષ્ટિ થઈ હતી. જામનગરમાં મૃતકના ઘરની આસપાસ દેખરેખ વધારી દેવામાં આવી છે.
૨૭ જાન્યુઆરીના રોજ જામનગર મેડિકલ કૉલેજમાં ૫૧ વર્ષના મોહનભાઈનું ક્રિમિઅન-કૉંગો હેમરેજિક ફીવરથી મૃત્યુ થયું હોવાનું નોંધવામાં આવ્યું હતું. વાયરસથી પીડિતને 21 જાન્યુઆરીએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જામનગર મેડિકલ કૉલેજના એડિશનલ ડીન ડૉ. એસ.એસ. ચેટર્જીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં જામનગરમાં કૉંગો ફીવરનો આ પહેલો કેસ જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું કે મોહનભાઈ પશુપાલક હતા અને આ રોગ ફક્ત પાળેલા પ્રાણીઓ દ્વારા જ ફેલાય છે. તેમણે જણાવ્યું કે મોહન ભાઈના લોહીના નમૂના મહારાષ્ટ્રના પુણેની લૅબમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં પરીક્ષણ બાદ અહેલાવ પોઝિટિવ આવતા વાયરસની પુષ્ટિ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પીડિતનું મૃત્યુ થયા પછી, આરોગ્ય વિભાગે તેમના ઘરની આસપાસના વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે. અધિકારીઓએ તેમના પરિવારને સ્વચ્છતા જાળવવાની પણ સલાહ આપી છે જેથી અન્ય કોઈને આ રોગનો ચેપ ન લાગે. આ રોગ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે, તેથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કૉંગો ફીવર વાયરસથી સંક્રમિત દર્દીઓમાં તાવ, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ચક્કર આવવાની સમસ્યા જેવા લક્ષણો જોવા મળે છે. બે થી ચાર દિવસ પછી, અનિદ્રા, ઉદાસી અને પેટમાં દુખાવો જેવા લક્ષણો પણ દેખાઈ આવે છે. મોઢામાં, ગળામાં અને ત્વચા પર પણ ફોલ્લીઓ થઈ શકે છે. જો કોઈના શરીરમાં આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, ક્રિમિઅન-કૉંગો હેમોરહેજિક તાવના વાયરસથી જીવલેણ તાવ આવે છે. તેનો મૃત્યુદર 40 ટકા સુધીનો છે. તેના માટે હજુ સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી. આ રોગથી સંક્રમિત 10 માંથી 4 લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે. તેનો હજુ સુધી કોઈ ઈલાજ નથી, તેથી નિવારણ એ શ્રેષ્ઠ ઉપાય છે. આ વાયરસ મુખ્યત્વે ટિક અને પાલતુ પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. ટિક એક નાનો જંતુ છે, જે પ્રાણીઓના શરીર પર જોવા મળે છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, સ્ત્રાવ, અંગો અથવા અન્ય શારીરિક પ્રવાહી સાથે સીધા સંપર્ક દ્વારા પણ ફેલાય છે, તેથી ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર જાળવવું મહત્ત્વપૂર્ણ છે. વારંવાર સાબુથી હાથ ધોવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખો. આ રોગ ગંભીર છે, તેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

