Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વામિત્રી નદીએ કર્યા વડોદરાના હાલ-બેહાલ : રાજકોટમાં ફરી પડ્યો મહામુસીબતનો વરસાદ

વિશ્વામિત્રી નદીએ કર્યા વડોદરાના હાલ-બેહાલ : રાજકોટમાં ફરી પડ્યો મહામુસીબતનો વરસાદ

Published : 28 August, 2024 11:01 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતમાં ત્રણ દિવસમાં ૧૫ વ્યક્તિનાં મૃત્યુ, ૩૧૮ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને ૬૪૪૦ લોકોનાં સ્થળાંતર કરાવ્યાં

જોરદાર વરસાદને પગલે વડોદરામાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ હતી.

જોરદાર વરસાદને પગલે વડોદરામાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ હતી.


ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદી માહોલ રહેતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ગઈ કાલે વિશ્વામિત્રીમાં જળતાંડવથી વડોદરાના હાલ-બેહાલ થયા હતા, તો રાજકોટમાં મહામુસીબતનો વરસાદ પડતાં જનજીવનને ભારે અસર થઈ હતી. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૫ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૩૧૮ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ૬૪૪૦ લોકોને સ્થળાંતર કરાવ્યાં હતાં.


મેઘરાજાએ ગઈ કાલે સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો હતો એમાં પણ રાજકોટને રીતસરનું ધમરોળ્યું હતું. રાજકોટમાં ૮ ઇંચ વરસાદ ખાબકતાં રાજકોટવાસીઓ ભારે મુસીબતમાં મુકાઈ ગયા હતા.



બીજી બાજુ, વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતાં નદીકાંઠાના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. વડોદરાના પ્રતાપનગર, રાવપુરા, નાગરવાડા, ફતેગંજ, સમા વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.


વડોદરાના સમા સાવલી રોડ પર હરણી, પીએનટી કૉલોની, ઊર્મિ સ્કૂલ પાસે પૂરનાં પાણીમાં ફસાયેલાં ૩૮ પુરુષ, ૯ મહિલા અને પાંચ બાળકો સહિત બાવન લોકોને NDRFની ટીમે રેસ્ક્યુ કરીને સલામત બહાર કાઢ્યાં હતાં.

ગઈ કાલે જામનગરના લાલપુરના નવા ગામમાં વાડી વિસ્તારમાં ફસાયેલા ૧૧ લોકો અને વડોદરાના ડેસરમાં ફસાયેલી એક વ્યક્તિ સહિત કુલ ૧૨ જણને ઍરલિફ્ટ કરીને ઉગારી લેવામાં આવ્યા હતા.


ભારે વરસાદ તેમ જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં મોરબીમાં મચ્છુ-બે ડૅમના ૩૦ દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. પાણી છોડાતાં મચ્છુ નદીનાં ધસમસતાં પાણી વાંકાનેર તાલુકા સહિતના નદીકાંઠાનાં ગામોને સાવચેત કરવામાં આવ્યાં હતાં.

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયાં હતાં

મચ્છુ નદીનાં ધસમસતાં પાણી રોડ પર ફરી વળતાં કચ્છને જોડતા સામખિયાળીથી માળિયા સુધીનો નૅશનલ હાઇવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. હાઇવે બંધ કરીને વાહનોને સામખિયાળીથી રાધનપુર તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતાં.

મચ્છુ નદીનાં પાણી રેલવે-ટ્રૅક પર ફરી વળતાં મોરબીથી માળિયા મિયાણા રેલવે-ટ્રૅક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વાધરવા માળિયા મિયાણા સેક્શનમાં વધુ પડતા જળભરાવને કારણે ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ તેમ જ કચ્છ એક્સપ્રેસને અટકાવી દેવાઈ હતી અને પાંચ ટ્રેનનો માર્ગ બદલવામાં આવ્યો હતો.

મધ્ય ગુજરાત તેમ જ દક્ષિણ ગુજરાતમાં પડેલા વરસાદને કારણે તેમ જ નદીઓમાં આવેલાં પૂરની પરરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વરથી ભરૂચ વચ્ચે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી અને એક તરફના માર્ગ પર વાહનોનાં પૈડાં થંભી ગયાં હતાં.

ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી ગુજરાતના ૨૪૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. એમાં ૧૧૨ તાલુકાઓમાં ૧થી ૮ ઇંચ અને એ પૈકી ૪૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ તથા ૧૮ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં ઊભી થયેલી બચાવ કામગીરી સહિતની મદદ માટે આર્મીની ૬ ટુકડી ફાળવવામાં આવી છે જે દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં બચાવ અને રાહત માટે તહેનાત કરવામાં આવી છે. એ ઉપરાંત NDRFની ૧૪ પ્લૅટૂન અને  SDRFની બાવીસ પ્લૅટૂન મદદરૂપ બની છે.

વરસાદને કારણે રસ્તા પણ પાણી ફરી વળતાં, ઝાડ પડી જતાં અને રસ્તા તૂટી જતાં ગુજરાતના ૮૦૬ જેટલા માર્ગો બંધ છે.

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2024 11:01 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK