ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી નજીક આવેલા વલાદ ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ૨૯મા દ્વિવાર્ષિક અધિવેશનનો પ્રારંભ કરાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આમ કહ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું શિક્ષક આગેવાનોએ સન્માન કર્યું હતું
ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી નજીક આવેલા વલાદ ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ૨૯મા દ્વિવાર્ષિક અધિવેશનનો ગઈ કાલે પ્રારંભ કરાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સહજતાથી અને નમ્ર ભાવે કહ્યું હતું કે ‘હું શિક્ષક નથી, પણ હું ગર્વથી કહું છું કે હું આજીવન વિદ્યાર્થી છું. સમાજમાં જે કંઈ થાય છે એને બારીકાઈથી ઑબ્ઝર્વ કરતાં મેં તમારાથી શીખ્યું છે.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આઝાદીના અમૃતકાળમાં ભારત વિકસિત થવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે શિક્ષકોની ભૂમિકા બહુ જ મોટી છે. ગુજરાતમાં ડ્રૉપ આઉટ રેટ લગભગ ૪૦ ટકાની આસપાસ રહેતો હતો અને આજે ૩ ટકાથી ઓછો રહ્યો છે. મને ગર્વ છે કે આ વખતે જે રાષ્ટ્રીય શિક્ષણનીતિ બની છે, દેશના લાખો શિક્ષકોએ એને બનાવવામાં કન્ટ્રિબ્યુશન આપ્યું છે. શિક્ષકોના પરિશ્રમથી આ આખી શિક્ષણનીતિ બની શકી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ પ્રૅક્ટિકલ આધારિત છે.
ADVERTISEMENT
પ્રૅક્ટિકલ સાથે અભ્યાસ આ જ નૅશનલ એજ્યુકેશન પૉલિસીની મૂળ ભાવના પણ છે, એને જમીન પર ઉતારવાની જવાબદારી આપ સૌ શિક્ષકોએ નિભાવવાની છે.’
આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ સ્કૂલોનો જન્મ દિવસ ઊજવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે ‘એનાથી સમાજ જોડાશે.’