સોમનાથ મંદિરમાં ગઈ કાલે મધરાતે કરાયેલી મહાઆરતીમાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો : અમદાવાદમાં નીલકંઠ મહાદેવમાં બપોરે મહાઆરતી યોજાઈ હતી : જૂનાગઢના દામોદર કુંડમાં સ્નાન કરવા શ્રદ્ધાળુઓ ઊમટ્યા
સોમનાથ મંદિરમાં બુધવારે રાતે જ્યોતપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શારદાપીઠના શંકરાચાર્યના શિષ્ય સ્વામી નિર્વિકલ્પ બ્રહ્મચારી મહારાજ, સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. મધરાતે ૧૨ વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી.
પવિત્ર શ્રાવણ મહિનાની અમાસે ગઈ કાલે ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ સહિત ગુજરાતભરનાં શિવલયોમાં દર્શન માટે શિવભક્તોનો ધસારો થયો હતો અને દેવાધિદેવનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ખ્યાતિપ્રાપ્ત શિવમંદિર સોમનાથમાં ગઈ કાલે સોમનાથદાદાનાં દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યામાં આવ્યા હતા. આ ઉપરાંત બુધવારે રાત્રે ૧૦ વાગ્યે પારંપરિક જ્યોતપૂજન કરવામાં આવ્યું હતું. જ્યોતપૂજનમાં શારદાપીઠના શંકરાચાર્યના શિષ્ય સ્વામી નિર્વિકલ્પ બ્રહ્મચારી મહારાજ, સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
ADVERTISEMENT
શ્રાવણ માસના અવસરે રાત્રે મંદિરના પૂજારી તેમ જ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવજીની મહાપૂજા કર્યા બાદ મધરાતે ૧૨ વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહાઆરતીનો લાભ લેવા હજારો શિવભક્તો સોમનાથ મંદિરમાં ઊમટ્યા હતા.
અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં ગઈ કાલે અમાસના દિવસે બપોરે મહાઆરતી યોજાઈ હતી, જેમાં ભક્તજનો દર્શન માટે ઊમટ્યાં હતાં.