સોશ્યલ મીડિયામાં વિડિયો વાઇરલ થયો અને દરદી વિધિથી સાજો થયો હોવાનો દાવો થયો એટલે ગુજરાત સરકારે આપ્યો તપાસનો આદેશ : ICUમાં કોઈને જવા નથી દેતા તો ભૂવો કેવી રીતે ત્યાં સુધી પહોંચી ગયો અને કેવી રીતે વિધિ કરી એવા થયા સવાલો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના અત્યાધુનિક જમાનામાં હજી પણ લોકો અંધશ્રદ્ધામાં માનતા અને માંદગીમાં ભૂવા પાસે વિધિ કરાવતા હોવાની ઘટના ગુજરાતમાં સામે આવી છે. એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં જઈને ભૂવાએ દરદીની વિધિ કરતાં હૉસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું. ગુજરાત સરકારે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.
અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલના ICUમાં એક દરદીને સારવાર માટે ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. આ દરદીના બેડ સુધી પહોંચીને એક ભૂવો વિધિ કરતો હોવાનો વિડિયો વાઇરલ થયો હતો એટલું જ નહીં, દરદી આ વિધિને કારણે સાજો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સિવિલ હૉસ્પિટલમાં ICU વૉર્ડ સુધી આ ભૂવો કેવી રીતે પહોંચી ગયો, બેડ સુધી પહોંચ્યા પછી તેણે દરદીની બેડ પર જ વિધિ કેવી રીતે કરી, શું એ સમયે ICUમાં કોઈ સ્ટાફ હાજર નહોતો, ભૂવો સિવિલ હૉસ્પિટલના દરવાજાથી લઈને ICU વૉર્ડમાં જઈને દરદીની વિધિ કરે છે ત્યાં સુધીનો વિડિયો કેવી રીતે બનાવ્યો, શું કોઈ સિક્યૉરિટી સ્ટાફે આ બધું જોયું નહીં હોય જેવા અનેક સવાલો ઊઠ્યા છે.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયામાં વિડિયો વાઇરલ થવાથી હૉસ્પિટલનું તંત્ર બચાવમાં આવી ગયું હતું. સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે ‘ડૉક્ટરની સારવારથી દરદીની પરિસ્થિતિ સુધરી હતી એટલે ભૂવાથી સારો થયો એ વાત સાચી નથી. ડૉક્ટરની સારવારથી દરદી સાજો થયો છે. આ ભાઈ રાતે દરદીના સગા તરીકે દરદી સુધી પહોંચી ગયા હતા.’
મેં વિડિયો જોયો છે. રાતના સમયે તે ભાઈ જઈને વિધિ કરતા હોય એવું માલૂમ પડ્યું છે. અમે સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીને સૂચના આપી છે. - હૃષીકેશ પટેલ, ગુજરાતના આરોગ્યપ્રધાન