ઇડરમાં છ ઇંચ, તલોદમાં સાડાપાંચ, દાંતા, પ્રાંતીજ, ધનસુરા, વીસનગર, વિજાપુર, ખેરાલુમાં ચાર, મોડાસામાં પોણાચાર, બાયડમાં સવાત્રણ, હિંમતનગરમાં ત્રણ, ઊંઝામાં અઢીથી વધુ, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં બે ઇંચથી વધુ વરસાદ
હિંમતનગર–તલોદ રોડ પર વરસાદનાં પાણી ફરી વળ્યાં હતાં.
પ્રથમ રાઉન્ડમાં જ ભારે વરસાદે ગુજરાતને લથબથ કરી નાખ્યું છે. ગઈ કાલે ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો હોય એમ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું હતું. સાબરકાંઠાના ઇડરમાં છ, તલોદમાં સાડાપાંચ સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં ભારે વરસાદ પડતાં નદી-નાળાં છલકાઈ ઊઠ્યાં હતાં અને સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.
ADVERTISEMENT
હિંમતનગરમાં સહકારી જીન વિસ્તારમાં વરસાદનાં પાણી ભરાયાં હતાં.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી ૧૮૩ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં ૯ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ૭૦ તાલુકાઓમાં એકથી છ ઇંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના ઇડરમાં છ ઇંચ, તલોદમાં સાડાપાંચ, દાંતા, પ્રાંતીજ, ધનસુરા, વીસનગર, વિજાપુર, ખેરાલુમાં ચાર, મોડાસામાં પોણાચાર, બાયડમાં સવાત્રણ, હિંમતનગરમાં ત્રણ, ઊંઝામાં અઢીથી વધુ, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં બે ઇંચથી વધુ વરસાદ પડતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી જિલ્લાઓમાં વરસાદે જમાવટ કરતાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં અને રસ્તા જાણે નદી બની ગયા હતા. ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતનાં અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયાં હતાં. તલોદમાં ભારે વરસાદને પગલે જીઈબી કચેરીની પાછળ, માર્કેટ યાર્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તલોદના ગરનાળામાં બસ ફસાઈ ગઈ હતી. એ ઉપરાંત તલોદના છત્રીસા ગામે તળાવ ઓવરફ્લો થતાં ગામમાં પાણી ઘૂસી ગયાં હતાં. ખાસ કરીને તલોદ–હિંમતનગર હાઇવે પર વરસાદનાં પાણી ફરી વળતાં વાવડી ચાર રસ્તા પાસે ઢીંચણ સમાણાં પાણી ભરાયાં હતા. માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
સાબરકાંઠાના જાદર ગામે ડેભોલ નદી ઊભરાતાં લોકો જોવા એકઠા થયા હતા.
ઇડરમાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદને પગલે શહેરમાંથી પસાર થતા હાઇવે પર પાણી ભરાતાં ટ્રાફિક જૅમ થયો હતો. હિંમતનગર–શામળાજી હાઇવે પર વરસાદને કારણે ખાડા પડી ગયા હોવાથી એમાં વરસાનાં પાણી ભરાઈ જતાં કાંકરોલ ગામથી મોતીપુરા ચાર રસ્તા સુધી ભારે ટ્રાફિક જૅમ થયો હતો. પ્રાંતીજના કહારવાસ સહિત ઘણા વિસ્તારોમાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં. બાયડ પાસેથી પસાર થતી વાત્રક નદી બેકાંઠે વહી રહી હતી. સાબરકાંઠાના જાદર ગામે ડોભોલ નદી બેકાંઠે વહેતી થતાં ગામલોકો એને જોવા નદીકાંઠે ઊમટી પડ્યા હતા. બીજી તરફ ભીલોડા વિસ્તારમાં આવેલો સુનસર ધોધ ભારે વરસાદને કારણે જીવંત બન્યો હતો.

