તળાવ ભરાઈ જતાં પરંપરાગત રીતે અક્ષત કુમકુમથી વધાવવામાં આવ્યું, ભુજવાસીઓએ રજા પાળીને નવાં નીરને વધાવ્યાં, રાજાશાહી વખતની પરંપરા જાળવી રાખતાં ઘણા કચ્છી માડુઓના ઘરે લાપસી બનીઃ કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં ૧૧૨.૦૭ ટકા વરસાદ પડી ચૂક્યો છે
ભુજનું હમીરસર તળાવ ભરાઈ જતાં ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર સહિતના સભ્યોએ હમીરસર તળાવને વધાવ્યું હતું.
બિપરજૉય વાવાઝોડાથી શરૂ થયેલા વરસાદે કચ્છમાં આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતનો સૌથી વધુ વરસાદ વરસાવતાં ભુજનું હમીરસર તળાવ ઓગની ગયું છે એટલે કે ભરાઈ ગયું છે. ગઈ કાલે નગરપાલિકા દ્વારા ઢોલનગારાં સાથે વરઘોડો કાઢીને તળાવને નાગરિકોએ પરંપરાગત રીતે વધાવ્યું હતું અને તળાવ ઓગની જતાં એક દિવસ રજા પાળીને તળાવમાં આવેલાં નવાં નીરને અક્ષત કુમકુમથી વધાવીને આનંદ મનાવ્યો હતો.
ADVERTISEMENT
આ વર્ષે વરસાદે પહેલા રાઉન્ડમાં જ ધમાકેદાર એન્ટ્રી કરી છે. એમાં પણ અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં ૧૧૨.૦૭ ટકા વરસાદ પડી ચૂક્યો છે ત્યારે ભારે વરસાદના પગલે કચ્છના વડા મથક સમા ભુજમાં આવેલું ઐતિહાસિક હમીરસર તળાવ છલકાઈ જતાં રાજાશાહી વખતની પરંપરાગત રીતે એને ગઈ કાલે નગરપાલિકાના સભ્યો તેમ જ પ્રજાજનોએ ભાવપૂર્વક વધાવ્યું હતું. ભુજવાસીઓ હમીરસર તળાવના કિનારે એકઠા થયા હતા. ઢોલનગારાં સાથે વરઘોડો કાઢીને પાલિકાના સભ્યોએ શ્રીફળ, ચૂંદડી, કુમકુમ અને અક્ષતથી નવાં નીરને શ્રદ્ધાપૂર્વક પોંખ્યાં હતાં અને વંદન કર્યાં હતાં. પરંપરા જાળવી રાખતાં ઘણા કચ્છી માડુઓના ઘરે લાપસી બની હતી અને ભુજવાસીઓએ આનંદ મનાવ્યો હતો.
ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯૫૬થી આ તળાવ જ્યારે ઓગની જાય ત્યારે એને વધાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨૭ વખત આ તળાવ ઓગની ગયું છે. મારા પ્રમુખ તરીકેના કાર્યકાળમાં આ તળાવ સતત બીજા વર્ષે ઓગની ગયું છે અને મને સતત બીજા વર્ષે એને વધાવવાનો લહાવો મળ્યો છે. હવે રવિવારે અમે મેઘ લાડુનું આયોજન કરીશું અને સૌને મેઘ લાડુથી મોં મીઠું કરાવીશું.’
હમીરસર તળાવ ઓગની જાય એટલે કે ઓવરફ્લો થાય ત્યારે ભૂતકાળની પ્રણાલી મુજબ બીજા દિવસે ભુજની સરકારી કચેરીઓ અને શાળાકૉલેજોમાં એક દિવસની સ્થાનિક રજા રહે છે એ મુજબ ગઈ કાલે પણ રજા રખાઈ હતી.

