સ્ટુડન્ટ્સ અને નોકરિયાત વર્ગે મેટ્રો રેલ સત્તાવાળાઓને રિક્વેસ્ટ કરી અને ફીડબૅક મળ્યાં કે ટ્રેન વહેલી મળે તો સમયસર પહોંચી શકાય એટલે મેટ્રો સત્તાવાળાઓ દ્વારા હંગામી ધોરણે એક મહિના માટે સમયમાં કરાશે વધારો
અમદાવાદમાં દોડતી મેટ્રો ટ્રેન. મેટ્રો રેલમાં રોજ ૩૫થી ૪૦ હજાર લોકો મુસાફરી કરે છે અને અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ ત્યારે એમાં લટાર મારવા માટે ભારે ધસારો થયો હતો.
અમદાવાદઃ છેલ્લા સાડાત્રણ મહિનાથી અમદાવાદમાં શરૂ થયેલા મેટ્રો રેલના બે રૂટ પર મુસાફરો દ્વારા સમય વધારવા માટે રિક્વેસ્ટ આવતાં મેટ્રો રેલના સમયમાં સવારે અને સાંજે બે કલાકનો હંગામી ધોરણે વધારો કરવાનો નિર્ણય મેટ્રો રેલ સત્તાવાળાઓએ કર્યો છે, જેનો અમલ ૩૦ જાન્યુઆરીથી કરવાનો નિર્ણય કરાતાં સવારે ૯ને બદલે ૭ વાગ્યાથી અને રાતે ૮ને બદલે ૧૦ વાગ્યા સુધી મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરી શકશે.
મેટ્રો રેલનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે સ્ટુડન્ટસ અને નોકરિયાત વર્ગ તરફથી રિક્વેસ્ટ આવી હતી અને મેટ્રો સ્ટેશન પર ઘણા બધા ફીડબૅક મળ્યા હતા, જેમાં ઘણા નોકરિયાત વર્ગે કહ્યું હતું કે અમારી ઑફિસનો સમય સવારે નવ વાગ્યાનો છે એટલે વહેલી ટ્રેન મળે તો સારું. વિદ્યાર્થીઓએ પણ તેમની સ્કૂલ અને કૉલેજના સમયને ધ્યાનમાં લઈને રજૂઆત કરી હતી. આ બધી રિક્વેસ્ટ અને ફીડબૅકના આધારે હંગામી ધોરણે મેટ્રો રેલના સમયમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે એક મહિનો અભ્યાસ કરીશું કે સમય વધાર્યા પછી કેટલા મુસાફરો આવે છે અને એના આધારે આગળ કાયમી નિર્ણય કરીશું. ૩૦-૦૧-૨૦૨૩થી અમલમાં આવે એ રીતે હાલમાં મેટ્રોનો સમય સવારે ૯થી રાતે ૮ વાગ્યા સુધીનો છે એ સમયમર્યાદા વધારીને સવારે ૭થી રાતે ૧૦ વાગ્યા સુધી હંગામી ધોરણે સમય વધારાનો અમલ કરાશે.’
ADVERTISEMENT
અત્યારે મેટ્રો રેલમાં પૂર્વથી પશ્ચિમ રૂટમાં દર ૧૮ મિનિટે અને ઉત્તરથી દક્ષિણ રૂટમાં દર ૨૫ મિનિટે મેટ્રો ટ્રેન મળે છે. મુસાફરોની સંખ્યા જોતાં એનો દર ૧૫ મિનિટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખી છે.
ઉલ્લેખનીય છે કે ગયા ઑક્ટોબરથી થલતેજથી વસ્ત્રાલ સુધી ફુલફ્લૅગ મેટ્રો રેલ શરૂ થઈ છે અને એ.પી.એમ.સી.થી મોટેરા સુધી મેટ્રો રેલની શરૂઆત થઈ છે ત્યારે રોજ ૩૫થી ૪૦ હજાર મુસાફરો એમાં મુસાફરી કરી રહ્યા છે અને વીક-એન્ડમાં ૬૫થી ૭૦ હજાર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.