આ પોલીસ દંપતી દિકરીના અંતિમ સંસ્કાર કરીને તરત જ ડયુટી પર પહોચી ગયું
મંડોળ દંપતિ અને તેમની બે વર્ષની દિકરી રાહી
લૉકડાઉનમાં બહાર નીકળતા લોકોને પોલીસે જ્યારે મારે છે ત્યારે આપણને ખરાબ લાગે છે પણ નાગરિકોની સલામતીની ચિંતા કરતા આ પોલીસો પોતાના પરિવારને કઈ પરિસ્થિતિમાં મુકીને આવાત હોય છે એની આપણને કલ્પના પણ નથી હોતી. ખેડા જીલ્લામાં બનેલી આ ઘટના જાણીને ખરેખર આપણું હૃદય દ્રવી ઊઠશે અને ખબર પડશે કે પોલીસો કઈ પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ બજાવવાનું ચુકતા નથી. ખેડા જીલ્લા પોલીસ સ્ટેશનમાં ડયુટી બજાવતા દંપતીની બે વર્ષની દીકરીના નાકમાં ચણો ફસાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. એટલે દંપતીએ દિકરીના અંતિમ સસ્કાર કરવા ચાલુ ફરજે જવું જ પડયુ. કોરોનાની પરિસ્થિતિમાં માથા પર કામનો બોજ વધુ હોવાથી વરિષ્ઠ અધિકારીઓ દંપતીની પરિસ્થિતિ ન સમજી શક્યા અને તેમને સસ્પેન્ડ કરી દેશે તેવું કહ્યું એટલે દંપતી દિકરીના અંતિમ સંસ્કાર કરીને તાત્કાલિક ફરજ બજાવવા પહોચી હયા હતા.
ઠાસરા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કોન્સટેબલ જયસિંહ મંડોળ દસ વર્ષથી ખેડા જીલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને તેમની પત્ની અલ્કા મંડોળ ઠાસરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સટેબલ તરીકેની ફરજ બજાવે છે. તેમની બે વર્ષની દીકરી રાહી હતી. કોરોનાને લીધે અત્યારે સતત ફરજ પર હાજર રહેવું પડતું હોવાથી તેઓ દીકરી રાહીને અલ્કાના પિયર દાહોદ નજીક આવેલા સંજેલીમાં મુકી આવ્યા હતા. બીજી એપ્રિલે સંજેલીથી ફોન આવ્યો કે રાહી લીલા ચણા ખાઈ રહી હતી ત્યારે તેના નાકમાં ચણો જતો રહ્યો છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી દાહોદ હૉસ્પિટલમાં લઈ જઈ રહ્યાં છે. જયસિંહ અને અલ્કાને આ મસચાર મળતા જ જાણે તેમાન માથે આભ તુટી પડયુ હોય તેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. પોતપોતાના પોલીસ સ્ટેશનના અધિકારીઓન જાણે કરીને બન્ને જણા સાંજે સાડા ચાર વાગે દાહોદ જવા નીકળ્યા હતા. તેઓ દાહોદ પહોચે એ પહેલા જ ઘરેથી સમાચાર આવ્યા કે દાહોદમાં ડૉક્ટરોએ ના પાડી હોવાથી તેને વડોદરા લઈ જઈ રહ્યાં છીએ. વડોદરા પહોચતા પહેલા જ દીકરી રાહીએ અંતિમ શ્વાસ લઈ લીધા હતા અને મંડોળ દંપતી તેનું મોઢું પણ નહોતા જોઈ શક્યા.
ADVERTISEMENT
દરમ્યાન એસપી દિવ્ય મિશ્રને ખબર પડી કે બે પોલીસવાળા વગર રજાએ ગયા છે ત્યારે તેમને બહુ જ ગુસ્સો આવ્યો અને પોલીસ અધિકારીઓનો ઉધડો લઈ લીધો કે તમે આ કટોકટીની પરિસ્થિતિમાં કોઈને રજા કઈ રીતે આપી શકો. એટલે સેવાલીયા અને ઠાસરા પોળીસ સ્ટેશનના અધિકારીઓએ લાગણીઓને બાજુએ મુકીને ફરજ નિભાવી અને દંપતીને પાછું ફરજ પર આવી જવાનું કહ્યું. પોતાના લીધે ઉપરી અધિકારિઓને ઠપકો ન સાંભળવો પડે અને નોકરીમાંથી સસ્પેન્ડ થઈ જઈશું તેવા ડરની સાથે જ દેશ સેવા પહેલા તેવા વિચાર સાથે મંડોળ દંપતી દિકરીના અંતિમ સંસ્કાર કરીને ત્રીજી એપ્રિલે સવારે ફરી ફરજ પર હાજર થઈ ગયા હતા.