સૌથી વધુ કચ્છ ઝોનમાં ૮૪ ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ઝોનમાં ૪૨ ટકા વરસાદ : ગુજરાતમાં ૪૭ ડૅમો ૧૦૦ ટકા ભરાઈને છલકાયા
નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં નાના-મોટા ડુંગરોની વચ્ચે આવેલા કેલિયા ડૅમમાં પાણીની ભરપૂર આવક થતાં ૧૦૦ ટકા ભરાઈને છલકાયો હતો.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૦ ટકાથી વધુ વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૮૪ ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ઝોનમાં ૪૨ ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ સારા વરસાદના પગલે ગુજરાતમાં ૪૭ ડૅમો ૧૦૦ ટકા ભરાઈને છલકાયા છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૫ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં ૬૯ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૪૩ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતના તમામ તાલુકાઓમાં મિનિમમ બે ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. ૧૦૭ તાલુકાઓમાં ૧૦થી ૨૦ ઇંચ, ૫૩ તાલુકાઓમાં ૨૦થી ૪૦ ઇંચ અને ૩૫ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.
ADVERTISEMENT
ભારે વરસાદ તેમ જ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ગુજરાતના નાના-મોટા ડૅમોમાં પાણીની ભરપૂર આવક થઈ છે જેના કારણે ૪૭ ડૅમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે., ૨૯ ડૅમો ૭૦થી ૧૦૦ ટકા ભરાયા છે, ૨૮ ડૅમો ૫૦થી ૭૦ ટકા ભરાયા છે, ૪૧ ડૅમો ૨૫થી ૫૦ ટકા ભરાયા છે, જ્યારે ૬૧ ડૅમો ૨૫ ટકા કરતાં ઓછા ભરાયા છે.
પંચાવન ડૅમો હાઈ અલર્ટ પર છે અને ૧૦ ડૅમો અલર્ટ પર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડૅમમાં ૫૫.૦૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે. ગઈ કાલે રાત્રિના ૮ વાગ્યા સુધીમાં ગુજરાતના ૮૬ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.