જુહાપુરાના મુશીરખાન ઇસ્માઇલ કુરેશીનો ગેરકાયદે બંગલો તોડી પાડ્યો
અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યાં હતાં.
ગુજરાતમાં અસામાજિક તત્ત્વો સામેની ઝુંબેશ તેજ બની છે. શનિવારે અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યાં હતાં. એટલું જ નહીં, ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતાં અસામાજિક તત્ત્વોની યાદીનો આંકડો ૮૦૦૦ પર પહોંચી ગયો છે અને તેમની સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસના સહયોગથી જુહાપુરામાં રહેતા મુશીરખાન ઇસ્માઇલ કુરેશીએ ૬૪૦૦ ચોરસ ફુટમાં ગેરકાયદે બાંધેલા બંગલા ઇસ્માઇલ પૅલેસને શનિવારે તોડી પાડવામાં આવ્યો હતો. આ બાંધકામ તોડવા ગયેલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમે પોલીસ-બંદોબસ્ત વચ્ચે મસમોટા ગેરકાયદે બંગલા પર બે બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુવારે અમદાવાદમાં મનપસંદ જિમખાના પર હથોડા ફરી વળ્યા હતા અને ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું.

