આ જાહેરાતના પગલે પાટીદાર સમાજે સરકારને અભિનંદન આપ્યાં હતાં
હર્ષ સંઘવી
ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા જુદા-જુદા કેસ પૈકી ૯ કેસ પાછા ખેંચવા માટે ગુજરાત સરકારે નિર્ણય કર્યો હોવાની જાહેરાત ગઈ કાલે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કરી હતી. આ જાહેરાતના પગલે પાટીદાર સમાજે સરકારને અભિનંદન આપ્યાં હતાં તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોર અને આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ચૈતર વસાવાએ અલગ-અલગ રીતે આદિવાસી, અધર બૅકવર્ડ ક્લાસ (OBC), દલિત સમાજ, ખેહૂતો અને રોજગારી માટે આંદોલન કરતા યુવાનો સામેના કેસ પાછા ખેંચવાની માગણી કરી હતી.
ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ બની હતી અને એ ઘટનામાં જે કેસ ચાલુ હતા અને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે એવા ૯ કેસ પાછા ખેંચવા મુખ્ય પ્રધાને નિર્ણય કર્યો છે.’

