દેશવિદેશમાં વસતા પારસીઓ મહોત્સવમાં ઊમટ્યા, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા, ત્રણ દિવસના ઉત્સવમાં પારસી સમાજ એકબીજા સાથે પોતાના સાંસ્કૃતિક વારસાને વાગોળશે
ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ કાર્યક્રમના ગેટ પર ‘આઇ લવ યુ ઉદવાડા’ લખેલું સાઇનેજ.
ભારતમાં પારસી સમાજના કાશી ગણાતા અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા ઉદવાડામાં પારસી સમાજનો ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ ગઈ કાલથી શરૂ થયો છે. દેશવિદેશમાં રહેતા પારસીઓ આ મહોત્સવમાં ઊમટ્યા છે. ત્રણ દિવસના આ ઉત્સવમાં પારસી સમાજ એકબીજા સાથે પોતાના સાંસ્કૃતિક વારસાને વાગોળશે.
દર બે વર્ષે ઊજવાતા આ ઉત્સવ વિશે પારસી સમાજના વડા દસ્તુર ખુરશેદજીએ મીડિયાને કહ્યું હતું કે ‘ઈરાનશાહ ઉદવાડા ઉત્સવની આ ચોથી એડિશન શરૂ થઈ છે જે ત્રણ દિવસ ચાલશે. એમાં દેશવિદેશના અને ઉદવાડાની આસપાસમાં રહેતા પારસી સમાજના લોકો આવ્યા છે. બેઝિકલી આ પ્રોગ્રામ પારસીઓ એક જગ્યાએ એકઠા થાય, આ ગામને એક જાતની ઉત્સાહપૂર્વક જાગૃતિ મળે એ માટે છે. બધા હંમેશાં કહે છે કે ઉદવાડા સૂતેલું ગામ છે તો આ પારસીઓ માટે એક પ્રેરણાભર્યો ઉત્સવ છે જ્યારે બધા બે વર્ષે ભેગા મળીને સાથે એન્જૉય કરે છે અને એનાથી જોડાય છે. પારસીઓની અહીં કલ્ચરલ ઇવેન્ટ પણ જોવા મળે છે. પારસીઓનો ઇતિહાસ, સંસ્કૃતિ, રહેણીકરણી, ઈરાનશાહની તવારીખ એ બધું આ મ્યુઝિયમમાં ઇન્ફર્મેશન સેન્ટરમાં છે. એમાં પારસીઓના રીતરિવાજ પણ જોવા મળે છે.’