પક્ષનું નામ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી, નિશાન ભાલો
શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં રિદ્ધિરાજસિંહ પરમારને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક પ્રમુખ ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડે અંબા માતાની છબિ આપીને પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે આવકાર્યા હતા.
મુંબઈમાં પહેલાં જમનાબાઈ નરસી સ્કૂલમાં અને ત્યાર બાદ મીઠીબાઈ કૉલેજમાંથી ઉચ્ચ અભ્યાસ કરનાર રિદ્ધિરાજસિંહ પરમારને શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં રચાયેલી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગઈ કાલે એની વિધિવત્ રીતે જાહેરાત કરીને આ પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘ચૂંટણી લડવા અમે ગુજરાતના મેદાનમાં આવ્યા છીએ. ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રિયલ ચેન્જ આવે એ માટે કામ કરીશું. અમારી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. ગુજરાતમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં અમે નવા અધ્યક્ષની જાહેરાત કરી છે. અમારી પાર્ટી પંચાયતની ચૂંટણીમાં ભાગ લેશે. બાવીસ ડિસેમ્બરે અડાલજમાં પાર્ટીનું અધિવેશન બોલાવવામાં આવશે અને એક ઍક્ટિવ પાર્ટી શરૂ થશે. અત્યારે ગુજરાતમાં ઑપોઝિશનનો રોલ પૉઝિટિવ નથી. અમે લોકોનો અવાજ ઉઠાવીશું અને એ માટે નવા અધ્યક્ષની સાથે ગુજરાતની રાજનીતિમાં ઍક્ટિવલી ભાગ લેવા અમારી પાર્ટી આવી છે. ચૂંટણી લડવા માટે અમે ગુજરાતના મેદાનમાં છીએ અને અમારી પાર્ટીનું નિશાન ભાલો છે.’
મને નવી જવાબદારી સોંપવામાં આવી છે એ નિભાવવાનો પૂરો પ્રયાસ કરીશ, જેમાં મને વરિષ્ઠ નેતાઓનું માર્ગદર્શન મળશે. પ્રજા માટે અમારા પૂર્વજોએ તેમનું જીવન આપ્યું છે. હાલ અમે બનાસકાંઠામાં કામ કરી રહ્યા છીએ. બનાસકાંઠામાં જોઈએ એટલું ડેવલપમેન્ટ થયું નથી એટલે અમે અહીંથી શરૂઆત કરીને સમગ્ર ગુજરાત સુધી જઈશું. શંકરસિંહબાપુ અને અન્ય આગેવાનો સાથે રહીને યુવા તરીકે પાર્ટીનું સંચાલન કરીશ. - રિદ્ધિરાજસિંહ પરમાર