ગુજરાતમાં બર્ડ ડાઇવર્સિટી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો : ગુજરાતમાં ૧૮થી ૨૦ લાખ જેટલાં પક્ષીઓની વસ્તી : નળ સરોવર પક્ષીઓ માટે હૉટ સ્પૉટ બન્યું
નળ સરોવરમાં આવતાં વિદેશી પંખીઓ.
ગુજરાતના વન વિભાગ દ્વારા જાહેર થયેલા બર્ડ ડાઇવર્સિટી રિપોર્ટમાં કચ્છમાં સૌથી વધુ ૪.૫૬ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યાં છે એટલું જ નહીં, વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ નળ સરોવર પક્ષીઓ માટે હૉટ સ્પૉટ બન્યું છે જ્યાં સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયાં છે. આ ઉપરાંત સર્વેક્ષણ દરમ્યાન પક્ષીઓની ૩૦૦થી વધુ પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાએ ગઈ કાલે આ રિપોર્ટ જાહેર કરીને કહ્યું હતું કે ‘ગુજરાતમાં વિવિધ પ્રજાતિનાં પક્ષીઓની અંદાજે ૧૮થી ૨૦ લાખ જેટલી વસ્તી છે. દેવભૂમિ દ્વારકામાં પક્ષીઓની સૌથી વધુ ૪૫૬ પ્રજાતિઓ નોંધાઈ છે. કચ્છ જિલ્લામાં ૧૬૧ પ્રજાતિનાં ૪.૫૬ લાખ જેટલાં પક્ષીઓ જોવા મળ્યાં છે. સ્થળાંતર ઋતુ દરમ્યાન કચ્છનું રણ ગ્રેટર ફ્લૅમિંગોના આગમનનું સાક્ષી બને છે. કચ્છમાં આવેલી રામસર સાઇટ છારીઢંઢ ૨૨,૭૦૦ હેક્ટર જમીનમાં ૧૫૦થી વધુ પ્રજાતિઓનાં અંદાજે ૩૦ હજારથી વધુ પક્ષીઓ માટે સુરક્ષિત નિવાસસ્થાન સાબિત થઈ છે. ગુજરાતમાં નળ સરોવર, નડાબેટ, બોરિયા બેટ, થોળ વગેરે જેવાં અંદાજે ૫૦ હજારથી વધુ સ્થાનિક અને વિદેશી પક્ષીઓનાં હૉટ સ્પૉટ તરીકે જાણીતાં થયાં છે. ગુજરાત દર વર્ષે શિયાળામાં યાયાવર બાર હેડેડ હંસનું સ્વાગત કરે છે. આ પક્ષીઓ ૭ હજાર મીટરથી વધુની ઊંચાઈએ હિમાલય પરથી પ્રવાસ શરૂ કરે છે અને ગુજરાતને એનું હંગામી ઘર બનાવે છે. જામનગરની આબોહવા માર્શ ફ્લૅમિંગો, પેલિકન અને ક્રેન્સને આવકારે છે એવી જ રીતે ગુજરાતના દરિયાકિનારે મૅન્ગ્રોવ્ઝ ઇકો સિસ્ટમ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. જામનગરમાં વિવિધ ૨૨૧ પ્રજાતિઓની સાથે ૪ લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે. અમદાવાદ જિલ્લામાં ૨૫૦થી વધુ પ્રજાતિનાં ૩.૬૫ લાખથી વધુ પક્ષીઓની વસ્તી છે.’